બારામતીમાં ખરાખરીનો જંગ નણંદ સુપ્રિયા સામે ભાભી સુનેત્રા પવાર
પુણે: આગામી લોકસભા ચૂંટણીમાં બારામતી લોકસભા સીટ પર સાંસદ સુપ્રિયા સુળેની સામે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવાર મેદાનમાં ઊતરી શકે એવી શક્યતા છે. મહાયુતિ તરફથી એનસીપીનાં ઉમેદવારના રૂપમાં સુનેત્રા પવારની સત્તાવાર રીતે જાહેરાત થવાની હજી બાકી છે. જોકે સુનેત્રા પવાર જ આગામી લોકસભા માટે મહાયુતિનાં ઉમેદવાર હશે, એવું લગભગ નક્કી હોવાનું કહેવાઈ રહ્યું છે. શુક્રવાર સવારથી જ સુનેત્રા પવારનો પ્રચારરથ ફરવાનો શરૂ થઇ ગયો હતો. આનાથી આગામી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુળે સામે સુનેત્રા પવાર ચૂંટણી લડશે, એવું હવે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે.
સુપ્રિયા સુળે બારામતી લોકસભા સીટ પરથી સાંસદ છે, જ્યારે સુનેત્રા પવાર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની છે. અજિત પવારે નોખો ચોકો રચ્યા બાદ બારામતી લોકસભા સીટ પરથી કયો ઉમેદવાર મેદાનમાં ઝુકાવશે, તેને લઇને રાજકીય ક્ષેત્રે લાંબા સમયથી ઉત્સુકતા રહેલી છે. સુનેત્રાના નામ લીધા વિના થોડા દિવસ પહેલાં અજિત પવારે કાર્યકર્તાઓને સંબોધીને જણાવ્યું હતું કે ઉમેદવાર કોઇ પણ હોય તમારે મારું મોઢું જોઇને જ વોટ આપવાનો છે અને તેને વિજયી બનાવવાનો છે. અજિત પવારના આ સંકેત બાદ રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવ્યું છે કે સુપ્રિયા સુળેની સામે સુનેત્રા એટલે કે નણંદ-ભાભી વચ્ચે લડાઈ જોવા મળશે.