સાવધાન પનીર ઓનલાઈન મગાવીને ખાવ છો, આટલું ધ્યાન રાખજો
મુંબઈ: કોરોના કાળમાં ફૂડ ઈન્ડસ્ટ્રીમાં એમાં પણ ઓનલાઈન ખરીદ-વેચાણને ગતિ પ્રાપ્ત થઇ છે. ડેરીના પદાર્થોમાં છેલ્લાં અનેક વર્ષોથી જે સ્પર્ધા શરૂ થઇ છે તેમાં પનીરનો ક્રમાંક દૂધના વેચાણ પછી આવે છે. શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દૂધની કિંમત ગુણવત્તાના માપદંડ પર નક્કી થાય છે. એ જ માપદંડ પનીર માટે પણ લાગુ થાય છે. બેથી અઢી લિટર દૂધમાંથી જેમતેમ કરીને પા કિલો પનીર મળતું હોય છે. આથી જ પનીરનો સ્વાદ અને તેની કિંમત બંને મલાઈદાર હોય છે. પનીરનું વાર્ષિક ટર્નઓવર હજારો કિલોનું છે. ઘર અને હોટેલ એમ બંને ઠેકાણે તેની માગમાં સતત વધારો થઇ રહ્યો છે. તેનો જ ફાયદો લઇને કોરોના કાળમાં આબેહૂબ પનીર જેવું જ દેખાતું ‘ચીઝ ઓનલોગ’ પદાર્થ બજારમાં ધૂમ મચાવી રહ્યું છે.
આ પદાર્થ બજારમાં આવ્યા પછીનાં બે વર્ષ બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પદાર્થના વપરાશને માન્યતા આપી. સંબંધિત વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર જે ઠેકાણે દૂધ કે પછી ડેરીના પદાર્થની ઉપલબ્ધતા નથી, એ ઠેકાણે એવા પદાર્થની ઉપલબ્ધતા કરી આપવામાં આવે છે. તેનો પનીર માટે વૈકલ્પિક વપરાશ કરવાનો નિર્દેશ ક્યાંય પણ નહોતો. જોકે ગ્રાહકોને એ બંનેમાંનો ભેદ ત્વરિત ધ્યાનમાં આવતો નથી, એવું નફાખોરી કરનારાઓના ધ્યાનમાં આવ્યું હતું. આ પદાર્થનું વેચાણ પનીર તરીકે શરૂ કરવામાં આવ્યું. એફ એન્ડ ડી પ્રશાસન પાસે આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી રહી છે. જોકે કેન્દ્રએ માન્યતા આપી હોવાથી ચીઝ ઓનલોગનું પનીર તરીકે વેચાણ થઇ રહ્યું છે.