આમચી મુંબઈ

અકસ્માત બાદ અપંગ બનેલી ઘાટકોપરની યુવતીને છ લાખનું વળતર ચૂકવવાનો બેસ્ટને આદેશ આપ્યો

મુંબઈ: બેસ્ટ સંચાલિત બસ ફરી વળવાને કારણે જમણા પગમાં ઈજાગ્રસ્ત થયેલી ઘાટકોપરની ૧૭ વર્ષની યુવતીને કાયમી પગમાં ખોટ થવાના કેસમાં મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી) હાલમાં જ બેસ્ટને યુવતીને રૂ. ૫.૮૪ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ બનાવ પચીસમી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ બન્યો હતો, જ્યારે કુર્લાની રહેવાસી સલમા ખાન બેસ્ટની બસમાંથી ઘાટકોપરના સર્વોદય બસ સ્ટોપ પરથી ઊતરી હતી. સલમા જ્યારે રસ્તો ઓળંગવા જતી હતી ત્યારે બસના ડ્રાઈવરે લાપરવાહીથી બસ ચલાવીને એને અડફેટે લીધી હતી. સિગ્નલ નજીક ઊભેલા લોકોએ બસના ડ્રાઈવરને બસ રોકવા માટે બૂમાબૂમ કરી હતી, પણ ડ્રાઈવરે બસને રોકી નહોતી, એવું પોલીસે જણાવ્યું હતું. સલમાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને ઘાયલ અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સલમાને જમણા પગમાં ઈજા થઇ હતી અને તેને ઘૂંટણના ભાગમાં ફ્રેક્ચર આવ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. આને કારણે સલમાને કાયમને માટે અપંગતા આવી ગઇ હતી. આથી જ સલમાના પરિવારે ટ્રિબ્યુનલ સમક્ષ રૂ. ૪ લાખના વળતર અને વર્ષના ૧૨ ટકાના વ્યાજની માગણી કરી હતી.જોકે બેસ્ટે તેના ડ્રાઈવરે બસને સ્પીડમાં ચલાવવાનો કે પછી લાપરવાહીથી ડ્રાઈવિંગ કર્યું હોવાના દાવાને નકારી દીધો હતો અને કહ્યું હતું કે બસના ડ્રાઈવરે ટ્રાફિક અને પદયાત્રીઓ અંગે પૂરું ધ્યાન આપીને જ ડ્રાઈવિંગ કર્યું હતું. કંડક્ટરે એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે બસમાં પ્રવાસીઓ ચડ્યા અને ઊતર્યા બાદ જ બસને આગળ ધપાવી હતી. જોકે બસની અડફેટે આવેલી યુવતીએ તાબડતોબ રસ્તો ક્રોસ કરવાની કોશિશ કરી હતી અને એટલે જ એ બસની અડફેટે આવી ગઈ હતી, એવું બેસ્ટે જણાવ્યું હતું.જોકે ટ્રિબ્યુનલે લોકમાનય ટિળક મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલે આપેલાં સર્ટિફિકેટને આધારે અકસ્માતમાં અપંગ બનેલી યુવતીની તરફેણમાં ચુકાદો આપીને બેસ્ટને ઉક્ત રકમ વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button