‘બાળકનું શ્રેષ્ઠ હિત માત્ર માતાનો પ્રેમ જ હોય તે જરૂરી નથી’
પુત્રની કસ્ટડી પિતાને સોંપતા હાઇ કોર્ટની નોંધ
મુંબઈ: પતિ અને પત્ની અલગ થવાના અને નાના બાળકની કસ્ટડીના કિસ્સામાં સામાન્યપણે એમ માનવામાં આવે છે કે માતા બાળકની ક્ષેષ્ઠ દેખભાળ કરી શકશે અને બાળકનો કબજો માતાને સોંપવામાં આવે છે. જોકે, આ સામાન્ય માન્યતાનો છેદ ઉડાડતા મુંબઇ હાઇ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે અને બાળકની કસ્ટડી માતા પાસેથી અમેરિકામાં રહેતા પિતાને સોંપી દીધી છે.
આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે નોંધ્યું છે કે, ‘બાળકનું શ્રેષ્ઠ હિત’ શબ્દ વ્યાપક છે. બાળકનું સર્વશ્રેષ્ઠ હિત માત્ર માતાના પ્રેમ અને સંભાળમાં જ ન હોઈ શકે. બાળકના શ્રેષ્ઠ હિત અંગેના નિર્ણયો તેના મૂળભૂત અધિકારો અને જરૂરિયાતો, ઓળખ, સામાજિક સુખાકારી, શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ પર આધારિત હોવા જોઈએ. બાળકને માતા-પિતા બંનેની સંભાળ અને રક્ષણ મેળવવાનો પૂરો અધિકાર છે.
બાળકની કસ્ટડી માટે અમેરિકામાં રહેતા પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને ગૌરી ગોડસેની ડિવિઝન બેંચે એક મહિલાને તેના સાડા ત્રણ વર્ષના પુત્રની કસ્ટડી 15 દિવસની અંદર યુએસમાં તેના અલગ રહેતા પતિને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.
પિતાએ તેમની અરજીમાં દાવો કર્યો હતો કે તેમની અને તેમની અલગ થઇ ગયેલી પત્ની વચ્ચે એક કરાર થયો હતો, જે અંતર્ગત તેમનું બાળક, જે જન્મથી યુએસ નાગરિક છે, તે તેની માતા સાથે તે દેશમાં (અમેરિકા) રહેવાનું હતું. જોકે, પત્ની બાળક સાથે ભારત આવી ગઇ હતી અને તેણે પરત ફરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે બાળક જ્યાં જન્મ્યો હતો તે અમેરિકા પરત ફરે તે તેના શ્રેષ્ઠ હિતમાં છે.
કોર્ટે જણાવ્યું હતું કે જો મહિલા તેના બાળક સાથે રહેવા માગે છે તો તે પણ અમેરિકા જઇ શકે છે. બાળકનો અને મહિલાનો રહેવાનો અને ભરણપોષણનો ખર્ચ પતિ ઉઠાવશે. કોર્ટે કહ્યું કે બાળકના કલ્યાણનો નિર્ણય કરતી વખતે માત્ર માતા-પિતાના વિચારોને મહત્વ આપી શકાય નહીં. બાળકના શ્રેષ્ઠ હિતમાં શું છે તેના પર ધ્યાન આપવું જોઇએ. બાળકને નાની ઉંમરમાં બંને માતા-પિતા પાસેથી પ્રેમ મેળવવાનો અધિકાર છે.