મફતિયા પ્રવાસીઓ સામે બેસ્ટની ઝુંબેશ: 14 દિવસમાં 12,000 લોકો સામે કાર્યવાહી
મુંબઈ: બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસ સેવામાં વગર ટિકિટે પ્રવાસ કરતાં પ્રવાસીઓ સામે કાર્યવાહીની ઝુંબેશ ચલાવી છે. એક જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી બેસ્ટ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 12,000 મફતિયા પ્રવાસીઓ બેસમાં પ્રવાસ કરતાં ઝડપાયા હતા. આ પ્રવાસીઓ સામે કાર્યાવહી કરી કુલ 7,46,579 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હોવાની માહિતી એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
મુંબઈની લોકલ ટ્રેન હોય કે પછી બસ રોજે હજારો લોકો ટિકિટ લીધા વગર પ્રવાસ કરે છે. તાજેતરમાં મુંબઈના બેસ્ટ પ્રશાસન દ્વારા વગર ટિકિટે પ્રવાસ કરતાં મુસાફરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બેસ્ટની લગભગ 2,916 બસોમાં દરરોજ 33થી 34 લાખ પ્રવાસી પ્રવાસ કરે છે. મુંબઈમાં એસી બસ માટે છ રૂપિયા અને નોન એસી બસ માટે પાંચ રૂપિયાનું ભાડું વસૂલવામાં આવે છે, તેમ છતાં અનેક લોકો બસમાં વગર ટિકિટે પ્રવાસ કરતાં બેસ્ટને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
મુંબઈની બેસ્ટ બસમાં મફતિયા પ્રવાસીઓને રોકવા માટે એક જાન્યુઆરીથી ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં એક જાન્યુઆરીએ 968, બીજી જાન્યુઆરીએ 945 પ્રવાસીઓ વગર ટિકિટે પકડાયા હતા. તેમ જ ચાર જાન્યુઆરીએ સૌથી વધુ 1,031 પ્રવાસીઓને વગર ટિકિટે પકડવામાં આવ્યા હતા.
બેસ્ટની આ કાર્યવાહીમાં 14 જાન્યુઆરી સુધી કુલ 12,104 લોકો વગર ટિકિટે પ્રવાસ કરતાં મળી આવ્યા હતા. બેસ્ટની આ કાર્યવાહીને લઈને એક અધિકારીએ જણાવ્યું હતું કે બસમાં વગર ટિકિટે પ્રવાસ કરતાં લોકો પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, જેથી આ 14 દિવસની કાર્યવાહી દરમિયાન 7,46,579 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી આગળમાં પણ શરૂ રહેશે એવી માહિતી બેસ્ટ અધિકારીએ અપાઈ હતી.