150 વર્ષે પણ મુંબઈની BEST is BEST…
મુંબઈ: ચર્ચગેટ સ્ટેશનથી મુંબઇનો છેવાડો ગણાતા નેવી નગર જવું હોય કે બોરીવલીથી કેનેરી કેવ્ઝ જવું હોય કે અંધેરીથી પવઈ – વિહાર લેક જવું હોય અને એ પણ નજીવા ભાડામાં, ‘બેસ્ટ’ તરીકે ઓળખાતી બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ અન્ડરટેકિંગની બસ સર્વિસ વર્ષોથી શહેરના લોકોની સેવામાં હાજર રહી છે.
બેસ્ટ સર્વિસે આજે નવમી મેના દિવસે 150 વર્ષ પૂરા કર્યા. 9 મે, 1874ના દિવસે મુંબઈમાં (ત્યારનું બોમ્બે) સર્વપ્રથમ ઘોડાએ ખેંચેલી ટ્રામ દોડી હતી. આજે લોકો ઇલેક્ટ્રિક એર કન્ડિશન્ડ બસમાં મુસાફરી કરી રહ્યા છે. મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી અને લાલપરી જેવું મોહક નામ ધરાવતી આ બસ સર્વિસના 150 વર્ષ પૂરા થયા એ નિમિત્તે ‘બેસ્ટ’ દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘બેસ્ટ’ના ટ્રામ યુગથી શરૂ કરી આજ દિવસ સુધીના પરિવર્તનનો ચિતાર આપવામાં આવશે. આજથી શરૂ થયેલું આ પ્રદર્શન સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બેસ્ટ મ્યુઝિયમ અનિક ડેપો ખાતે આયોજિત કરવામાં આવ્યું છે એમ બેસ્ટે જણાવ્યું હતું.
મુંબઈમાં શરૂ કરવામાં આવેલ સર્વપ્રથમ હોર્સ ટ્રામ બે રૂટ પર દોડી હતી. એક રૂટ હતો કોલાબાથી પાયધૂની વાયા ક્રોફર્ડ માર્કેટ અને બીજો રૂટ હતો બોરી બંદરથી પાયધૂની એવી માહિતી પણ પ્રવક્તાએ આપી હતી. આ પ્રદર્શનમાં પ્રવેશ વિનામૂલ્યે છે.
બેસ્ટના એક અધિકારીએ રોચક માહિતી આપતા ઉમેર્યું હતું કે ‘આ હોર્સ ટ્રામમાં બે, છ કે આઠ ઘોડા જોડવામાં આવતા હતા. એની ઝડપ પ્રતિ કલાક 4થી 5 માઈલની હતી. પ્રવાસ માટે એ સમયે ઉતારુઓ પાસેથી એક આનો લેવામાં આવતો હતો.’
મુંબઈમાં જાહેર પરિવહન સેવા માટે પ્રથમ દરખાસ્ત અમેરિકન કંપની દ્વારા 1865માં રજૂ કરવામાં આવી હતી. જોકે, એ પ્રોજેક્ટ વિલંબમાં મુકાઈ ગયો હતો. 1874માં બોમ્બે ટ્રામ્સવે એક્ટ હેઠળ પહેલી હોર્સકાર ટ્રામ-વે સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ટ્રામની કંડકટર પ્રવાસીઓ પાસે પૈસા ઉઘરાવતો હતો, પણ શરૂઆતમાં ટિકિટ નહોતી આપવામાં આવતી. થોડા મહિના પછી ટિકિટ આપવાની પ્રથા શરૂ થઈ હતી.
વાસ્તવમાં બેસ્ટની બસ મુંબઈની લોકલ ટ્રેનના માફક એક જગ્યાએથી બીજી નજીકની જગ્યાએ જવા માટે સુરક્ષિત પરિવહન છે. બેસ્ટની બસ પરિવહન ક્ષેત્રે સૌથી સસ્તું પરિવહન આપવાની સાથે મુંબઈને અન્ય પરા સાથે જોડી રાખવાનું કામ કરે છે, જે બેસ્ટની સૌથી મોટી સિદ્ધિ છે, એમ એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.