બોરીવલી સ્ટેશનથી કાન્હેરી ગુફા જતી બેસ્ટની બસ સેવા કાયમ માટે બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટ ઉપક્રમ દ્વારા બોરીવલી રેલવે સ્ટેશનથી કાન્હેરી ગુફા સુધી દોડાવવામાં આવતી એરકંડિશન્ડ બસ એ-૧૮૮ બસને કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે. તેથી હવે બોરીવલી સ્ટેશનથી નેશનલ પાર્ક અને કાન્હેરી ગુફા જવા ઈચ્છુક પર્યટકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
મુંબઈ હાઈ કોર્ટના આદેશ અનુસાર પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા બોરીવલી સ્ટેશન (પૂર્વ)થી કાન્હેરાી ગુફા સુધી દોડાવવામાં આવતી એસી બસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સંજય ગાંધી નેશનલ પાર્કના પદાધિકારીઓ દ્વારા બેસ્ટ ઉપક્રમને પત્ર મોકલવામાં આવ્યો હતો. આ દરમ્યાન કાન્હેરી ગુફા જવા ઈચ્છુક પર્યટકોને હવે નેશનલ પાર્કથી કાન્હેરી ગુફા સુધી હવે ચાલીને જવાની ફરજ પડવાની છે.
વિશ્ર્વપ્રસિદ્ધ કાન્હેરી ગુફામાં દેશ-વિદેશથી પણ પર્યટકો મુલાકાતે આવતા હોય છે. નેશનલ પાર્કમાં અનેક પ્રાણીઓનો વસવાટ પણ છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પર્યટકોને ધ્યાનમાં રાખીને બોરીવલી(પૂર્વ) સ્ટેશનથી કાન્હેરી ગુફા સુધી એસી -એ૧૮૮ બસ દોડાવવામાં આવતી હતી પણ હવે મુંબઈ હાઈ કોર્ટના આદેશ અને નેશનલ પાર્કના સંચાલકોની વિનંતીને પગલે બેસ્ટ ઉપક્રમે આ બસ કાયમ માટે બંધ કરી દીધી છે.



