આમચી મુંબઈ

મેટ્રો-થ્રીના ફાયદા કેટલા? મેટ્રોના ભાડાંથી લઈને ટાઈમટેબલ જાણો ફટાફટ

મુંબઈઃ મુંબઈ રિજનમાં મેટ્રો વન, ટૂ-સેવન અને નવી મુંબઈમાં મેટ્રો ચાલી રહી છે ત્યારે આ નવી ટ્રેનની સર્વિસ ચાલુ કરવામાં આવ્યા પછી મુંબઈગરાની એક કરતા અનેક સમસ્યામાંથી છૂટકારો મળશે, તેમાંય વળી બીજા તબક્કાનું કામકાજ પૂરું થયા પછી દક્ષિણ મુંબઈના વાહનચાલકોની ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. અભૂતપૂર્વ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન મુંબઈગરાને આખરે બહુપ્રતિક્ષિત ભૂગર્ભ મેટ્રોનો આંશિક લાભ મળવાની શરૂઆત નોરતાના પવિત્ર દિવસોમાં થઇ રહી છે. લોકો આવતીકાલે આરેથી બીકેસીના કોરિડોરમાં પ્રવાસ કરી શકશે. એક્વા લાઈન તરીકે ઓળખાતી આ મેટ્રોનું પહેલા તબક્કામાં ૧૨ કિલોમીટરનું છે. આ એક્વા લાઈન મેટ્રોના પ્રથમ તબક્કામાં કેટલા સ્ટશન અને તેનું ભાડું કેટલું હશે તેની માહિતી અમે તમને જણાવી દઈએ.

હાલમાં છે 10 સ્ટેશન, ટાઈમટેબલ જાણો?
એક્વા લાઈનના સંપૂર્ણ માર્ગમાં ૨૭ સ્ટેશન હશે. પણ અત્યારે પહેલા તબક્કામાં માત્ર ૧૦ સ્ટેશનોનો પ્રવાસ લોકો માટે ઉપલબ્ધ છે. એવી અપેક્ષા છે કે સંપૂર્ણ માર્ગ માર્ચ ૨૦૨૫ સુધીમાં કાર્યરત થઇ જશે. મેટ્રોના સમયપત્રકની વાત કરીએ તો અઠવાડિયાના કામકાજી દિવસોમાં સવારે ૬.૩૦ થી રાત્રે ૧૦.૩૦, જ્યારે સપ્તાહના અંતે સવારે સવારના ૮.૩૦થી રાત્રે ૧૦.૩૦ સુધી આ મેટ્રો દોડશે.

એરપોર્ટ પહોંચવામાં મળશે મોટી સુવિધા
એક્વા લાઇન શરૂ થયા બાદ મુસાફરોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાની સુવિધા મળશે. જોકે, અત્યારે તેની કનેક્ટિવિટીનું કાર્ય ચાલુ છે. આ લાઇન દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ મુંબઈને જોડશે, જે નરીમાન પોઈન્ટ, મુંબઈ સેન્ટ્રલ, વરલી, દાદર અને અન્ય મુખ્ય વિસ્તારોમાં સરળ ઍક્સેસ પ્રદાન કરશે. આ ઉપરાંત આ મેટ્રો લાઇન સાંતાક્રુઝ, મરોલ અને ઘાટકોપર જેવા વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં રસ્તાની ભીડને ઘટાડવામાં પણ મદદ કરશે.

બીકેસીથી આર આટલી મિનિટમાં પહોંચી શકાશે
આ રૂટની વિશેષતા એ છે કે બીકેસીથી આરે વચ્ચે ૩૦ મિનિટથી ઓછા સમયમાં મુસાફરી કરી શકાશે. હવે જે પ્રવાસમાં એક કલાકનો સમય લાગતો હતો તે ઘટીને અડધો થઈ જશે. મુંબઈ મેટ્રો લાઇન- ૩માં ટિકિટની કિંમત ૧૦ રૂપિયાથી 50 રૂપિયા સુધીની હશે. પણ પ્રથમ ચરણમાં તેની મહત્તમ કિંમત ૫૦ રૂપિયા સુધીની હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત, મુસાફરો પાસે સ્માર્ટ કાર્ડ દ્વારા પોસ્ટ-પેડ અને પ્રી-પેડ ચુકવણી કરવાનો વિકલ્પ પણ છે. તેઓ તેમના સ્માર્ટફોન પર ક્યુઆર કોડનો ઉપયોગ કરીને ટિકિટનું ભાડું પણ ચૂકવી શકશે. કોરિડોરમાં આરે, એમઆઈડીસી, સીપ્ઝ, મરોલ નાકા, એરપોર્ટ ટર્મિનલ ૧, સંહાર રોડ, એરપોર્ટ ટર્મિનલ ૨, વિદ્યાનગરી, ધારાવી અને બીકેસી સ્ટેશનનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button