દક્ષિણ મુંબઇનો બેલાસિસ પુલ તોડીને નવા પુલનું બાંધકામ કરાશે
મુંબઇ: દક્ષિણ મુંબઈના ૧૨૭ વર્ષ જૂના બેલાસિસ પુલને તોડીને એની જગ્યાએ નવો પુલ બાંધવા માટે પશ્ર્ચિમ રેલવેએ તૈયારીઓ શરૂ કરી છે. રેલવે હદમાંના પુલને તોડવાનું કામ કરવા ટેંડર પ્રક્રિયા સપ્ટેમ્બરના અંત સુધી પૂરી થશે. મુંબઈ મહાપાલિકાની ટેંડર પ્રક્રિયા પૂરી થવા માટે વધુ ચાર મહિના જરૂરી છે. એના લીધે નવા વર્ષમાં પુલ બંધ કરીને તોડવાનું કામ કરવામાં આવે એવા ચિ છે.
આઈઆઈટી મુંબઈ અને રેલવેની સંયુક્ત ટીમે શહેરના પુલોનું સ્ટ્રકચરલ ઓડિટ કર્યું ત્યારે બેલાસિસ પુલ જોખમકારક હોવાનું જણાયું હતું. એની તાત્પૂરતી દેખભાળ કર્યા પછી શહેરમાં વધતી વાહન સંખ્યાને ધ્યાનમાં રાખીને આ પુલને નવેસરથી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પુલના રેલવે હદના ભાગનું કામ પશ્ર્ચિમ રેલવે તરફથી પૂરું કરવામાં આવશે. પુલના લિન્કરોડને મુંબઈ મહાપાલિકા બાંધશે. બેલાસિસ પુલ તોડીને નવો પુલ બાંધવા માટે ટેંડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
પુલ તોડીને નવેસરથી બાંધવા માટે કોન્ટ્રેક્ટરને ૧૮ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સપ્ટેમ્બરના અંતમાં રેલવે હદમાં કામના ટેંડરની પ્રક્રિયા પૂરી થશે એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યું હતું. પશ્ર્ચિમ રેલવેએ પુલ માટે કુલ ૩૪ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત કર્યો છે. એમાં ૨૪ કરોડ રૂપિયા એન્જિનિયરિંગ કામ અને બીજા કામ માટે છે. નવો પુલ છ લેનનો હશે. નવા પુલની ઊંચાઈ રેલવે પાટાથી સાડા છ મીટર ઊંચી હશે. અત્યારે પુલની ઊંચાઈ ૫ મીટર છે.
શહેરમાં બ્રિટિશકાલીન એક અંડરપાસ સહિત ૧૦ રેલવે ફ્લાયઓવરને નવેસરથી બાંધવા મહારેલને નિયુક્ત કરવામાં આવી હતી. એમાં બેલાસિસ પુલનો સમાવેશ હતો. બેલાસિસ પુલ માટે મહારેલે ૧૫૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ મહાપાલિકા પાસે રજૂ કર્યો હતો. જોકે મહાપાલિકા અને પશ્ર્ચિમ રેલવે વચ્ચે થયેલી બેઠકમાં રેલવે હદનું કામ પશ્ર્ચિમ રેલવે અને મહાપાલિકા હદનું કામ મુંબઈ મહાપાલિકા કરશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યારે પુલ માટે ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે. એ અનુસાર રેલવે અને મહાપાલિકાએ સ્વતંત્ર ટેંડર પ્રક્રિયા
શરૂ કરી છે.
નવા વર્ષમાં પુલ બંધ રહેશે?
૧૮૯૩માં બાંધવામાં આવેલા આ પુલને આઈઆઈટી અને રેલવેના સહિયારા અહેવાલમાં જોખમકારક બતાવવામાં આવ્યો છે. પુલ માટે પશ્ર્ચિમ રેલવેની ટેંડર પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનામાં અને મહાપાલિકાના બીજા ચાર મહિના બાદ પૂરી થશે. પુલ બંધ કર્યા પછી નાગરિકોને ત્રાસ ન થાય એ માટે બંને યંત્રણાઓ એક સાથે કામ શરૂ કરે એવી વરિષ્ઠ અને ઉચ્ચ પદે બિરાજતા અધિકારીઓની ભૂમિકા છે. તેથી નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૪માં પુલ બંધ કરીને એને તોડવાનું અને પછી નવેસરથી બાંધવાનું કામ શરૂ થાય એવી શક્યતા છે.