બેલાપૂરથી પનવેલ ટ્રાન્સ હાર્બર લાઇન પર લોકલ ટ્રેન અચાનક રદ થતાં મુસાફરો હેરાન
મુંબઇ: હાર્બર રેલ માર્ગ પર ટ્રેનના ટાઇમ ટેબલમાં થઇ રહેલ ગડબડ હજી યથાવત છે. પાછલાં ચાર દિવસોથી હાર્બર લાઇન પર મુસાફરોને થઇ રહેલ તકલીફમાં આજે વધારો થયો હતો. હજી પણ હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવા વ્યવસ્થીત થઇ નથી. બેલાપૂરથી પનવેલ ટ્રાન્સ હાર્બર લોકલ આજે દોડાવામાં નહીં આવે એવી જાહેરાત સ્ટેશન પર કરવામાં આવી છે. માત્ર થાણેથી બેલાપૂર સુધી જ ટ્રાન્સ હાર્બર લોકલ દોડશે એવી જાહેરાત થઇ હતી. અચાનક લોકલ ટ્રેન રદ થતાં મુસાફરો હેરાન થયા છે.
છેલ્લાં કેટલાંક દિવસથી હાર્બર લાઇન પર રેલવેનું મનસ્વી વર્તન દેખાઇ રહ્યું છે. જેને કારણે મુસાફરોને ભારે કનડગત થઇ રહી છે. લોકલ ટ્રેન રદ થયાની કોઇ પણ પૂર્વ સૂચના વગર જ સિધી જાહેરાત કરવામાં આવી રહી છે. આ અંગેની કોઇ પણ જાહેરાત પ્રસાર માધ્યોમો દ્વારા પણ કરવામાં આવતી નથી.
જનસંપર્ક વિભાગને વારંવાર પૂછવા છતાં કોઇ પણ કારણ આપવામાં આવી નથી રહ્યું.
પનવેલ સ્ટેશનનો પ્લેટફોર્મ નંબર બદલવામાં આવ્યો એ વાતની પણ જાણ કરવામાં આવી નહતી. 38 કલાકનો મેગા બ્લોક અચાનક વધારવામાં આવ્યો એની પણ જાણ કરવામાં આવી નહતી. ત્યારે આજે અચાનક જ મુસાફરો જ્યારે ટ્રેનની રાહ જોઇ રહ્યાં હતાં ત્યારે જ બેલાપૂર થી પનવેલની હાર્બર લોકલ સેવા રદ કરવાની એનાઉન્સમેન્ટ થઇ હતી. જેને કારણે વહેલી સવારે નોકરી-ધંધા માટે નિકળેલા લોકોની ભારે હાલાકી થઇ હતી.