બીડ સરપંચ હત્યા: આરોપીઓની ધરપકડની માગણી માટે ગ્રામજનોનું ‘જળ સમાધિ’ આંદોલન…
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મસ્સાજોગ ગામમાં લોકોએ બુધવારે સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યાના કેસમાં ફરાર આરોપીઓની ધરપકડની માગણી સાથે ‘જળ સમાધિ’ આંદોલન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : વાલ્મીક કરાડે આત્મસમર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણીના કેસમાં વોન્ટેડ મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સહયોગી વાલ્મિક કરાડે પુણેમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યાના બીજા દિવસે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કરાડને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) હત્યા અને ખંડણીના કેસોની તપાસ કરી રહ્યું છે.
બીડ જિલ્લાના કેજ તહસીલના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ગયા મહિને અપહરણ કરવામાં આવ્યું હતું અને 9 ડિસેમ્બરે તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેમણે પવનચક્કી કંપની પાસેથી પૈસા માંગનારા કેટલાક વ્યક્તિઓ દ્વારા ખંડણીની માંગનો વિરોધ કર્યો હતો.
પોલીસે હત્યા કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે ત્રણ અન્ય આરોપીઓ ફરાર છે. ખંડણી કેસમાં કરાડ અને વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
બુધવારે હત્યા કેસમાં ફરાર આરોપીઓની ધરપકડની માગણી સાથે ‘જળ સમાધિ’ આંદોલનના ભાગ રૂપે ઘણા ગામલોકો મસ્સાજોગના એક તળાવમાં દાખલ થયા હતા અને કમર સુધીના પાણીમાં ઉભા રહ્યા.
આ વખતે એક મહિલાને ચક્કર આવતાં તેમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આક્રમક ગામવાસીઓને સમજાવવા માટે બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નવનીત કાંવત પોતે આંદોલનના સ્થળે પહોંચ્યા હતા.
એક પ્રદર્શનકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘સંતોષ દેશમુખને ન્યાય મળવો જોઈએ. (હત્યા)ના 23 દિવસ પછી પણ, આ કેસમાં ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ વહીવટીતંત્ર શું કરી રહ્યું છે? આરોપીઓની ધરપકડ કરીને તેમને ફાંસી આપવી જોઈએ. તેથી, ગ્રામજનો વિરોધના પ્રતીક તરીકે પાણીમાં ઉતર્યા છે.’
દેશમુખની હત્યા બાદ, કેજ પોલીસે સુદર્શન ઘુલે અને પાંચ અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, છ આરોપીઓમાંથી પોલીસે અત્યાર સુધીમાં પ્રતીક ઘુલે, જયરામ ચાટે અને મહેશ કેદારની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ – સુદર્શન ઘુલે, સુધીર સાંગલે અને કૃષ્ણા અંધાલે – હજુ સુધી પકડાયા નથી.
ગૃહ વિભાગ સંભાળતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું કે તેમણે સંતોષ દેશમુખના ભાઈ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે ન્યાય મળશે.
આ પણ વાંચો : બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…
જ્યાં સુધી દોષિતોને ફાંસી આપવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ તેમની ફરજ બજાવતી રહેશે. બીડ કેસમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે ‘ગુંડા રાજ’ (ગુનેગારોનું શાસન) સહન કરીશું નહીં….કોઈને પણ બક્ષવામાં આવશે નહીં, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.