બીડમાં સરપંચની હત્યા કેસમાં નવો ખુલાસોઃ એક મોટા નેતાને ૧૬ કોલ આવ્યાનો દાવો
મુંબઈ: બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મામલો હાલમાં ગરમાયો છે અને રાજકીય પક્ષો વચ્ચે આરોપો-પ્રત્યારોપો થઇ રહ્યા છે ત્યારે ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે સોમવારે બીડના જિલ્લાધિકારી અવિનાશ પાઠકની મુલાકાત લીધી હતી. ત્યારે સંતોષ દેશમુખની હત્યા બાદ એક મોટા નેતાને ૧૬ કૉલ આવ્યા હતા? એવો સવાલ મીડિયાએ પૂછતા સુરેશ ધસે જણાવ્યું હતું કે ‘મને આ મોટા નેતા અંગે કંઇ જ ખબર નથી.’ ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પ્રકરણે કોઇ મોટા નેતાનો હાથ ન હોય અને મને પણ એવું લાગતું નથી. હું આ તબક્કે કોઇના ઉપર પણ આરોપ કરીશ નહીં’, એમ ધસે જણાવ્યું હતું.
વાલ્મિક કરાડના ‘બોસ’ (ધનંજય મુંડે)એ કરાડને પોલીસમાં હાજર રહેવાનું કહેવું જોઇએ. પોલીસ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ વાલ્મિક કરાડની ધરપકડ પણ થશે. તેઓ સરેન્ડર કરે એવી ચર્ચા છે, પરંતુ હાલમાં કરાડ અને તેમના ‘બોસ’ વચ્ચે દ્વંદ શરૂ ચાલી રહ્યું હોવાની પણ માહિતી છે, એમ સુરેશ ધસે નામ લીધા વગર એનસીપીના નેતા અને કેબિનેટ પ્રધાન ધનંજય મુંડે પર નિશાન તાક્યું હતું.
આપણ વાંચો:બીડના સરપંચની હત્યાના વિરોધમાં વિધાનભવનના પગથિયાં પર વિપક્ષી વિધાનસભ્યોના દેખાવો
આ સિવાય સુરેશ ધસે જણાવ્યું હતું કે બીડમાં ધણા લોકો બંદૂકના લાઇસન્સ ધરાવે છે અને લગ્ન પ્રસંગોમાં બંદૂકોથી જાહેરમાં હવામાં ગોળીબાર પણ કરે છે. તેથી બીડના કલેક્ટર અવિનાશ પાઠકને મળીને તેમને આવા લોકો સામે કાર્યવાહી કરવા પણ કહ્યું છે. ‘પંદર દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવશે તો સરકારને તેમની (જિલ્લા કલેક્ટર) સામે કાર્યવાહી કરવા કહીશું’, એમ સુરેશ ધસે મીડિયાને જણાવ્યું હતું.