ખબરદાર… જો ડ્રોન કે રિમોટ કંટ્રોલ માઈક્રો-લાઈટ ઍરક્રાફ્ટ ઉડાડ્યાં છે તો!
મનાઈ આદેશ છતાં કોલાબા અને પવઈમાં ડ્રોન ઉડાડવામાં આવ્યા પછી મુંબઈ પોલીસની ખાસ ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ જેવા માહોલને જોતાં મુંબઈમાં ડ્રોન ઉડાવવા સહિત ફ્લાઈંગ ઍક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આ મનાઈ આદેશનું ઉલ્લંઘન કરતી ઘટનાઓ દક્ષિણ મુંબઈના કોલાબા અને પવઈ વિસ્તારમાં બની છે. પરિણામે મુંબઈ પોલીસે લાલ આંખ કરીને ડ્રોન કે રિમોટ કંટ્રોલ માઈક્રો-લાઈટ ઍરક્રાફ્ટ ઉડાડનારાઓને ખાસ ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોલાબાના હાઈ સિક્યોરિટીવાળા વિસ્તાર ગણાતા તાજ હોટેલ નજીક મંગળવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની પરવાનગી વિના ડ્રોન ઉડાવવા બદલ હૈદરાબાદના રહેવાસી અરામલ્લા લિંકન (22) વિરુદ્ધ કાર્યવાહી કરી કોલાબા પોલીસે ડ્રોન જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલા ડ્રોનની કિંમત 70 હજાર રૂપિયા હોવાનું પોલીસનું કહેવું છે.
મળતી માહિતી અનુસાર તાજ હોટેલ ફરતેના સંવેદનશીલ વિસ્તારમાં ક્વિક રિસ્પોન્ટ ટીમ (ક્યૂઆરટી)ના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ગેટવે ઑફ ઈન્ડિયા નજીક હવામાં કંઈ ઊડતું નજરે પડ્યું હતું.
તાત્કાલિક નજીક જઈને જોતાં ડ્રોન હોવાની ખાતરી થઈ હતી. ગેટવે નજીકની જેટ્ટી નંબર-પાંચ પાસે પાર્ક કરાયેલા વાહનમાં બેસીને યુવાન રિમોટ કંટ્રોલથી ડ્રોનને ઑપરેટ કરતો હોવાનું જણાયું હતું. યુવાનને તાબામાં લઈ પોલીસને સોંપાયો હતો. આવી જ ઘટના બે દિવસ અગાઉ પવઈમાં બની હતી. પરવાનગી વિના ડ્રોન ઉડાવવા બદલ પવઈ પોલીસે ગુનો નોંધી 23 વર્ષના યુવક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
મનાઈ આદેશ લાગુ કરવામાં આવ્યો હોવા છતાં ડ્રોન ઉડાવવાની ઘટનાઓ બનતાં પોલીસે આવી કોઈ પ્રવૃત્તિ ન કરવા ખાસ ચેતવણી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ત્રીજી જૂન સુધી મનાઈ આદેશ જાહેર કરાયો છે. આ સમય દરમિયાન ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ માઈક્રો-લાઈટ ઍરક્રાફ્ટ, હૉટ ઍર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ સિવાય પેરાગ્લાઈડિંગ, પૅરા મોટર્સ જેવી પ્રવૃત્તિ પર પણ મનાઈ ફરમાવાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ મુંબઈ શહેરમાં વિવિધ ઠેકાણે ડ્રોન ન ઉડાવવા માટે ‘રેડ ઝોન’ જાહેર કર્યા છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આવી વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.