બીસીસીઆઇ રોહિત-કોહલીને ટેસ્ટ ટીમમાંથી હટાવી નાખવાના મૂડમાં છે?
મુંબઈ: ભારતીય ટેસ્ટ ટીમનો ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં 0-3 થી શર્મનાક પરાજય થયો અને કૅપ્ટન રોહિત શર્માએ આ શ્રેણીમાં બૅટર તેમ જ કૅપ્ટન તરીકેની પોતાની નિષ્ફળતાની કબૂલાત પણ કરી છે. જોકે આ પરાજય એટલો બધો કારમો છે કે બીસીસીઆઇ રોહિત તેમ જ વિરાટ કોહલીને ટેસ્ટ ટીમમાંથી કદાચ તગેડી મૂકવાના મૂડમાં છે.
રવીન્દ્ર જાડેજાએ સિરીઝમાં વૉશિંગ્ટન સુંદરની માફક હાઇએસ્ટ 16 વિકેટ અને રવિચન્દ્રન અશ્ર્વિને નવ વિકેટ લઈને ટીમ ઇન્ડિયાને સિરીઝ જિતાડી આપવા પૂરા પ્રયત્ન કર્યા, પરંતુ બે પીઢ બૅટર (રોહિત અને કોહલી) સહિતનો ટૉપ-ઑર્ડર સદંતર ફ્લૉપ ગયો. રિષભ પંતે પહેલી ટેસ્ટના બીજા દાવના 99 રનથી માંડીને રવિવારની અંતિમ ઇનિંગ્સના લડાયક 64 રન સહિત બૅટિંગ અને વિકેટકીપિંગમાં સારું પર્ફોર્મ કર્યું, પરંતુ એકંદરે ભારતે ફ્લૉપ બૅટિંગને લીધે જ શ્રેણી-પરાજયની નામોશી જોવી પડી છે.
રોહિત તેમ જ કોહલી, શુભમન ગિલ, સરફરાઝ ખાન અને યશસ્વી જયસ્વાલની બૅટિંગની નિષ્ફળતાને લીધે ભારતીય ટીમ ટેસ્ટના વર્લ્ડ કપ માટેની ફાઇનલની રેસની બહાર જવાની તૈયારીમાં છે.
હવે ભારતે ઑસ્ટ્રેલિયા ખાતેની આ મહિનાની ટૂરમાં પાંચમાંથી ચાર ટેસ્ટ જીતવી પડશે. 22 નવેમ્બરથી 8મી જાન્યુઆરી દરમ્યાન ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે.
એવું મનાય છે કે બીસીસીઆઇ રોહિત તથા કોહલીને ટેસ્ટ ટીમમાંથી કાઢી નાખશે. જોકે કિવીઓ સામેની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને રોહિત-કોહલી કદાચ ટેસ્ટને બહુ જલદી અલવિદા કરે પણ ખરા. પીટીઆઇના એક રિપોર્ટ મુજબ રોહિતે વાનખેડેની મૅચ પછી ટેસ્ટને લગતા પોતાના ભવિષ્ય વિશે કહ્યું હતું કે ‘હાલમાં હું આગળના સમય વિશે કંઈ જ નથી વિચારી રહ્યો. અમે ઑસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરીએ એ અમારા માટે અત્યારે ખાસ જરૂરી છે. અમારે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ સિવાય બીજું કંઈ જ ન વિચારવું જોઈએ એવું મને લાગે છે. મારા માટે હાલમાં એ સિરીઝ જ સૌથી અગત્યની છે. અમે એના પર જ પૂરું ફૉકસ કરીશું.’
બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને જણાવ્યું કે ‘આ કારમી હાર બાદ હવે ટીમનું અવલોકન તો થશે જ. ન્યૂ ઝીલૅન્ડ સામેની આ હાર બહુ જ મોટી છે. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ બહુ જ નજીકમાં છે અને ટીમની જાહેરાત થઈ ચૂકી છે. એ જોતાં હવે ટીમમાં કોઈ ફેરફાર નહીં કરાય. જોકે ટેસ્ટના વર્લ્ડ કપની આગામી જૂનમાં રમાનારી ફાઇનલમાં જો ભારતીય ટીમ નહીં પહોંચી શકે તો એક વાત સ્પષ્ટ છે કે ઇંગ્લૅન્ડ ખાતેના ભાવિ પ્રવાસ માટે ટીમના સિનિયર ખેલાડીઓને સિલેક્ટ નહીં કરવામાં આવે.’
આવું કહેવા પાછળનો બીસીસીઆઇના સૂત્રનો ઇશારો રોહિત-કોહલી તરફ જ હશે.
જાડેજા અને અશ્ર્વિને કિવીઓ સામે સારું પર્ફોર્મ કર્યું, પરંતુ તેમની નિવૃત્તિનો સમય પણ હવે બહુ દૂર નથી.
2011માં સિનિયર ખેલાડીઓને ટીમમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે યુવા ખેલાડીઓની એન્ટ્રી થઈ હતી. એવું આ વખતે પણ થઈ શકે એમ છે. જોકે એ સંબંધમાં ચીફ સિલેક્ટર અજિત આગરકર અને હેડ-કોચ ગૌતમ ગંભીર વચ્ચે સિરિયસ ચર્ચા થશે એવું ખાતરીથી કહી શકાય.