હોસ્પિટલમાં પોલીસને હાથતાળી આપીને ભાગી ગયેલી બાંગ્લાદેશી મહિલા નવી મુંબઈથી પકડાઇ

મુંબઈ: જે. જે. હોસ્પિટલમાં પોલીસને હાથતાળી આપીને ભાગી છૂટેલી બાંગ્લાદેશી મહિલાને ચાર દિવસ નવી મુંબઈથી પકડી પાડવામાં આવી હતી.
વાશી પોલીસ સ્ટેશનમાં રૂબીના ઇરશાદ શેખ (21) નામની બાંગ્લાદેસી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પાસપોર્ટ એક્ટ તેમ જ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ હતો અને તેને ભાયખલા જેલમાં રાખવામાં આવી હતી.
આપણ વાંચો: ટિનેજરમાં ભાગેડુવૃત્તિનો પગપેસારો
14 ઑગસ્ટે સવારે 11 વાગ્યે તેને સારવાર અર્થે જે. જે. હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તે મહિલા પોલીસ કર્મચારીના હાથને ઝટકો મારીને ભાગી છૂટી હતી. રૂબીનાની શોધ ચલાવ્યા છતાં તેનો કોઇ પત્તો ન લાગતાં જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.
જે. જે. માર્ગ પોલીસની ટીમે રૂબીનાના રહેવાના તથા કામના ઠેકાણે સતત ત્રણ દિવસ સુધી નજર રાખીને તેના વિશે માહિતી મેળવી હતી, જેમાં તે અલગ અલગ સ્થળે કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન રૂબીના નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે સોમવારે છટકું ગોઠવીને તેને પકડી પાડી હતી.