ભારતમાં 30 વર્ષથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી દંપતીની વાશીમાં ધરપકડ
દંપતીના ભારતમાં જન્મેલા પુત્ર વિરુદ્ધ પણ કાર્યવાહી

થાણે: છેલ્લાં 30 વર્ષથી ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી દંપતી સાથે તેમના યુવાન પુત્રની પણ પોલીસે નવી મુંબઈથી ધરપકડ કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશ દરમિયાન 24 નવેમ્બર, 2024ના રોજ થાણે પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ શારો અભતાબ શેખ (48) અને તેની પત્ની સલમા શારો શેખ (39)ની પૂછપરછ કરી હતી. નવી મુંબઈના વાશી વિસ્તારમાં જુહુગાંવ ખાતેના એક ફ્લૅટમાં 20 વર્ષના પુત્ર સાથે રહેતા દંપતી પાસેના દસ્તાવેજોની પોલીસે ચકાસણી કરી હતી.
દંપતીએ તેમની માલિકીના ફ્લૅટના દસ્તાવેજો, આધાર અને પૅન કાર્ડ, પાસપોર્ટ, વૉટર આઈડી અને રેશન કાર્ડ બતાવ્યાં હતાં. દંપતીએ તેમના જન્મ દાખલાની ઝેરોક્સ કૉપી પણ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. આ બર્થ સર્ટિફિકેટ પશ્ર્ચિમ બંગાળના જયનગર સ્થિત ગ્રામીણ હૉસ્પિટલનાં હતાં. શંકા જતાં દસ્તાવેજોની નકલ મેળવી અધિકારીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.
દરમિયાન પોલીસે શેખ દંપતીએ રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હતી. એક ટીમ પશ્ર્ચિમ બંગાળની ગ્રામીણ હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી. બર્થ સર્ટિફિકેટની ખરાઈ ચકાસવા બીજી ફેબ્રુઆરીએ ટીમ હૉસ્પિટલમાં પહોંચી હતી.
તપાસ દરમિયાન દક્ષિણ 24 પરગણાના આરોગ્ય વિભાગના ચીફ મેડિકલ ઑફિસરે દંપતીએ આપેલા જન્મના દાખલા બનાવટી હોવાનું નવી મુંબઈ પોલીસને જણાવ્યું હતું.
આ પણ વાંચો : થાણેમાં ફ્લેટમાંથી 2.21 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ
પોલીસનાં સૂત્રોએ બાંગ્લાદેશથી દંપતીનાં નૅશનાલિટી કાર્ડ મોકલાવ્યાં હતાં, જેનાથી એ વાતની ખાતરી થઈ હતી કે દંપતી બાંગ્લાદેશી નાગરિક છે. આખરે પોલીસે રવિવારે દંપતી અને ભારતમાં જન્મેલા તેમના પુત્રની ધરપકડ કરી હતી.
દંપતી બોગના બોર્ડર ચેકપોસ્ટથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યું હતું. ભારતમાં જ તેમણે બધા બોગસ દસ્તાવેજો બનાવડાવ્યા હતા. આ પ્રકરણે ત્રણેય જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)