…તો વર્સોવાથી ભાયંદર સુધીનો 90થી 120 મિનિટનો પ્રવાસ કાપી શકાશે 15-20 મિનિટમાં!

મુંબઈઃ મુંબઈ અને મુંબઈગરાનો હાલનો મોટાભાગનો સમય ટ્રાફિક અને મુંબઈની લોકલ ટ્રેનોમાં ધક્કા ખાવામાં જ પસાર થઈ જાય છે. પરંતુ હવે મુંબઈગરાને રાહત આપે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર મુંબઈ કોસ્ટલ રોડના બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં બાંદ્રા-વર્સોવા સી લિંકનું નિર્માણ સૌથી મહત્વનું પાસું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે મહત્ત્વની અપડેટ આપી છે.
2028માં ખુલ્લો મૂકાશે
મુંબઈના દરિયાકિનારે બની રહેલો આ સી લિંક ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં ગેમ ચેન્જર સાબિત થશે. આ પ્રોજેક્ટનું નામ સ્વાતંત્ર્યવીર સાવરકર બાંદ્રા-વર્સોવા સી બ્રિજ રાખવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં 26 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સરકારના આયોજન મુજબ, આ સી લિંક માર્ચ, 2028 સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

રૂટ અને કનેક્ટિવિટીની ખાસિયતો
વાત કરીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની તો 25 કિલોમીટર લાંબો આ સી લિંક મુંબઈના વિવિધ મહત્વના ભાગોને જોડવાનું કામ કરશે. આ પ્રોજેક્ટ મુંબઈના નરીમન પોઈન્ટ-વરલી કોસ્ટલ રોડ અને બાંદ્રા-વરલી સી લિંકને જોડશે, જ્યારે ઉત્તરમાં વર્સોવા-કાંદિવલી-ભાયંદર કોસ્ટલ રોડ સાથે જોડાશે.
90 મિનિટનો પ્રવાસ હવે 15થી 20 મિનિટમાં…
આ સિવાય આ બ્રિજ પર ચાર મહત્વના કનેક્ટર બ્રિજ બનાવવામાં આવશે, જે બાંદ્રા, કાર્ટર રોડ, જુહુ કોલીવાડા અને વર્સોવા ખાતે ઉતરશે. આ સ્થળોએ પિલર નાખવાનું કામ હાલમાં પ્રગતિમાં છે. બાંદ્રા અને જુહુ વચ્ચે અરબી સમુદ્રમાં અંદાજે 900 મીટર સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં મુંબઈના ટ્રાફિકને કારણે વર્સોવાથી ભાયંદર પહોંચવામાં અંદાજે 90થી 120 મિનિટનો સમય લાગે છે. આ સી લિંક તૈયાર થઈ ગયા બાદ 60 કિલોમીટર લાંબો આ કોસ્ટલ રોડ નેટવર્ક આ અંતર ઘટાડીને માત્ર 15થી 20 મિનિટનો થઈ જશે.

100 વર્ષ સુધી રહેશે અડીખમ
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલાં આ બ્રિજની ગુણવત્તા વિશે વાત કરીએ તો આ બ્રિજ એટલો મજબૂત હશે કે તેનું આયુષ્ય 100 વર્ષ સુધી અડીખમ ટકી રહેશે. જોકે, પર્યાવરણની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ માટે અંદાજે 1500 વૃક્ષો કાપવામાં આવશે, જેની સામે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
છે ને એકદમ કામની માહિતી? આ કામના સમાચાર તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરજો. આવા જ બીજા કામના અને મહત્ત્વના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



