તહેવારોમાં રેલવેની વ્યવસ્થાની પોલ ખુલી, મુસાફરો બારીઓમાંથી ટ્રેનમાં ચડવા મજબુર
મુંબઈ: તહેવારોની સિઝન શરૂ થતા વતન તરફ જતા લોકોનો ધસારો વધી જતો હોય છે, જેના કારણે યાતાયાતની વ્યવસ્થાઓ પર બોજ એકદમ વધી જતો હોય છે, ખાસ કરીને દેશની જીવાદોરી સમાન રેલવે વ્યવથા (Indian railway) પર. આ દિવાળીના તહેવારોમાં ઇન્ડિયન રેલ્વે મુસાફરોના ઘસારાને સંભાળવામાં નિષ્ફળ રહી છે. મોટા શહેરોના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ટ્રેનની ટિકિટ હોવા છતાં મુસાફરો ટ્રેન સુધી પહોંચી ના શક્યા, ઘણી જગ્યાએ નાસભાગની ઘટનો પણ બની છે.
દિવાળીના અવસર પર, મોટી સંખ્યામાં લોકો શહેરોમાંથી તેમના વતન જવા માટે નીકળે છે, પરંતુ હાલમાં ભારતીય રેલ્વેમાં તહેવારો વચ્ચે તમામ લોકો તેમના વતન સમયસર પહોંચી શકે તેટલી જગ્યા નથી. મુંબઈના બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે નાસભાગ મચી ગઈ હતી.
બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં ચડતી વખતે આ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 10 લોકો ઘાયલ થયા છે. તેને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, 8 ઘાયલોની હાલત સ્થિર છે. બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મુંબઈના સ્ટેશનો પર લાંબી કરાતો જોવા મળી રહી છે. રવિવારે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી ગોરખપુર જતી ટ્રેને રેલ્વેની વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. જનરલ ડબ્બામાં ચઢવા માટે કલાકો સુધી લાંબી કતારો લાગી હતી. પોલીસ દ્વારા મુસાફરો પર હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી બારીમાંથી ઘણી મહિલાઓ અંદર પ્રવેશતી જોવા મળી હતી.
રેલ્વે સ્ટેશન પર એકઠી થયેલી ભારે ભીડને નિયંત્રિત કરવી એ પણ એક મોટી સમસ્યા છે. જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું નથી.