અંધેરીના વેપારી સાથે 78.64 લાખ રૂપિયાની છેતરપિંડી: લક્ઝરી કારના ડીલર સામે ગુનો…

મુંબઈ: ઇમ્પોર્ટેડ સેકન્ડ-હેન્ડ લક્ઝરી કાર ખરીદવા-વેચવાના વ્યવસાયમાં ભાગીદારીની લાલચ આપી અંધેરીના વેપારી સાથે 78.64 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે બાંદ્રા પોલીસે 44 વર્ષના લક્ઝરી કારના ડીલર સામે ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદી કલામ બિનાની (66)એ આક્ષેપ કર્યો હતો કે મોહંમદઅલી ફર્નિચરવાલાએ વિવિધ બહાના હેઠળ ચુકવણીમાં વિલંબ કરવાનું ચાલુ રાખ્યું હતું અને કથિત છેતરપિંડી આચરી હતી.કાપડ આયાતના વ્યવસાય ધરાવતા બિનાનીએ પોલીસને જણાવ્યું હતું કે 2016માં એક સંબંધી મારફત તે ફર્નિચરવાલાને મળ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ફર્નિચરવાલાએ પોતાને ઇમ્પોર્ટેડ લક્ઝરી કારનો મોટા ડીલર તરીકે રજૂ કર્યો હતો અને બિનાનીને ભાગીદારીની ઓફર આપી હતી. જો તે સાહસમાં રોકાણ કરશે તો નફામાં પચાસ ટકા હિસ્સો આપવાનું વચન આપ્યું હતું.
બિનાનીએ તેને કહ્યું હતું કે સેક્ધડ-હેન્ડ કારના વ્યવસાયમાં કોઇ અનુભવ નથી, ત્યારે આરોપીએ તેને કથિત રીતે રોકેલી રકમ પર નફાનો હિસ્સો ઉપરાંત દર મહિને એક ટકા વધારાનું વળતર પણ આપવાની ખાતરી આપી હતી. ફર્નિચરવાલાએ બાદમાં તેને પ્રારંભિક રકમ તરીકે એક લાખ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું.
બિનાનીએ પોલીસને જણાવ્યું હતું કે 2016થી 2019 દરમિયાન તેણે કુલ 78.64 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર તેમ જ ચેક દ્વારા ફર્નિચરવાલાને ચૂકવ્યા હતા. નક્કી થયા મુજબ આરોપી નિયમિતપણે એક ટકા વળતર બિનાનીના બૅંક ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. જોકે બિનાનીએ જ્યારે નફાના તેના હિસ્સા વિશે પૂછ્યું ત્યારે ફર્નિચરવાલાએ કથિત રીતે ચુકવણીમાં વિલંબ કર્યો હતો અને દાવો કર્યો કે તે રકમની ગણતરી કરશે અને ટૂંક સમયમાં તેનું સમાધાન કરશે.
ફેબ્રુઆરી, 2017માં ફર્નિચરવાલાએ બિનાનીને જૂની બીએમડબ્લ્યુ કાર આપી હતી, જેની કિંમત 47 લાખ રૂપિયા હોવાનો તેણે દાવો કર્યો હતો. સપ્તાહ બાદ તેણે કાર પાછી લઇ લીધી હતી અને કહ્યું હતું કે ખરીદદાર મળી ગયો છે તથા તે વેચાણની રકમમાંથી બિનાનીને રોકાણ તથા નફાનો હિસ્સો ચૂકવશે. સિક્યુરિટી માટે તેણે બિનાનીને બ્લેન્ક ચેક આપ્યો હતો.



