બાન્દ્રામાં ગળું ચીરી વૃદ્ધાની હત્યા બાદ લૂંટ ચલાવનારો પકડાયો
![Nine Bangladeshis, including seven women, arrested in Nalasopara](/wp-content/uploads/2025/01/Nine-Bangladeshis-including-seven-women-arrested-in-Nalasopar.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રામાં ચોરીને ઇરાદે બોલીવુડના સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાની ઘટના તાજી છે ત્યાં બાન્દ્રા પરિસરમાં જ લૂંટને ઇરાદે સિનિયર સિટિઝનની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ઘરમાં ઘૂસી વૃદ્ધાના હાથ બાંધી દીધા પછી તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરનારો આરોપી ગુનો નોંધાયાના બે કલાકમાં જ પોલીસને હાથ લાગ્યો હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
બાન્દ્રા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શારીફ અલી સમશેર અલી શેખ (27) તરીકે થઈ હતી. બાન્દ્રામાં જ રહેતો શેખ વૃદ્ધાના ઘરથી પરિચિત હોવાનું કહેવાય છે.
બાન્દ્રા પશ્ર્ચિમમાં રેક્લેમેશન ડેપો નજીકની કાંચન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની એ વિંગના બીજા માળે રહેતી રેખા અશોક ખોંડે (64)નો મૃતદેહ સોમવારની રાતે મળી આવ્યો હતો. રેખાના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી અને દરવાજો પણ અંદરથી બંધ હતો. પરિણામે પડોશીઓએ માહિમમાં રહેતી રેખાની પુત્રીનો સંપર્ક સાધ્યો હતો.
વૃદ્ધાની પુત્રી રાતે 11.30 વાગ્યાની આસપાસ બાન્દ્રા પહોંચી હતી. પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલતાં ઘરમાંથી રેખાનો મૃતદેહ મળી આવ્યો હતો. બાન્દ્રાના ઘરમાં વૃદ્ધા એકલી રહેતી હતી. તેનો મૃતદેહ કોહવાવા લાગ્યો હોવાથી ચારેક દિવસ અગાઉ હત્યા કરવામાં આવી હોવાનો અંદાજ પોલીસે વ્યક્ત કર્યો હતો.
દરમિયાન ઘટનાસ્થળે પહોંચી બાન્દ્રા પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભા હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વૃદ્ધાના બન્ને હાથ ઓઢણીથી બાંધેલા હતા અને તેનું ગળું ચીરવામાં આવ્યું હતું. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ ગુમ હોવાનું પુત્રીએ પોલીસને કહ્યું હતું.
આ પણ વાંચો : સોમવારથી મરીન ડ્રાઈવથી બાન્દ્રા નવ મિનિટમાંઃ કૉસ્ટલ રોડનો આ ભાગ ખુલ્લો મુકશે સીએમ
ઘરમાં જબરદસ્તીથી ઘૂસવાનાં કોઈ નિશાન ન મળતાં આ હત્યામાં પોલીસને જાણભેદુની શંકા હતી. પોલીસે બિલ્ડિંગ નજીકના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પરથી હત્યાની ઓળખ મેળવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે શકમંદ શેખને પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.