બાન્દ્રામાં જમીન વિવાદમાં ચોપરના ઘાઝીંકી એકની હત્યા: ચાર સગાંની ધરપકડ...
આમચી મુંબઈ

બાન્દ્રામાં જમીન વિવાદમાં ચોપરના ઘાઝીંકી એકની હત્યા: ચાર સગાંની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બાન્દ્રામાં જમીન વિવાદને લઈ ચાર સગાંએ ચોપરથી નિર્દયતાથી કરેલા હુમલામાં 47 વર્ષના શખસનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં મધ્યસ્થી કરનારા અન્ય ત્રણ સગાં પણ ગંભીર રીતે ઘવાયા હોઈ પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની રાતે બાન્દ્રા પશ્ર્ચિમમાં બડી મસ્જિદની પાછળ આવેલી દરગાહ ગલીમાં બની હતી. ચાર આરોપી ઈમરાન ખાન (35), તેની પત્ની ફાતિમા ઈમરાન ખાન (37), ઉસ્માન અલી શેખ (31) અને તેના પિતા ઝાકીર અલી શેખે (62) શાકીર અલી શેખ પર ચોપરથી હુમલો કર્યો હતો.

શાકીર પર હુમલો થયો ત્યારે તેના સગા એવા ફરિયાદી અફઝલ અલી શેખ, તેની માતા અને ખિજાતલી સંડોલેએ શાકીરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મધ્યસ્થી કરનારા ત્રણેય પર આરોપીઓએ હુમલો કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘવાયા હતા.
ભારે હંગામો મચતાં સ્થાનિક રહેવાસીઓ મધ્યસ્થી માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ બાન્દ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જખમી ચારેયને ભાભા હૉસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે શાકીરને મૃત જાહેર કર્યો હતો. અન્ય ત્રણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઝોન-9ના ડેપ્યુટી પોલીસ કમિશનર દીક્ષિત ગેદામે જણાવ્યું હતું કે આ મામલે બાન્દ્રા પોલીસે હત્યા સહિત ભારતીય ન્યાય સંહિતાની અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ચારેય આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બે વ્યક્તિ વચ્ચેના જમીન વિવાદને પગલે આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

આપણ વાંચો : સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલે બીમાર પત્નીની હત્યા કર્યા બાદ ગળાફાંસો ખાધો…

Back to top button