આમચી મુંબઈટોપ ન્યૂઝ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓને દંડશે સુધરાઈ આના માટેની માર્ગદર્શિકા તૈયાર કરી રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બહુ જલદી હવે મુંબઈમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામાન્ય નાગરિકો પાસેથી પણ દંડની રકમ વસૂલ કરવામાં આવે એવી શક્યતા નિર્માણ થઈ છે.

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી)એ મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈમાં ‘સિંગલ યુઝ’ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવા માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આમા પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટિક બૅગનો ઉપયોગ ચાલુ રાખનારા નાગરિકોને દંડ કરવાનો પણ સમાવેશ થાય છે. સાથે જ પાલિકાની તેના વર્તમાન દંડ માળખામાં સુધારો કરવાની યોજના છે, જોકે સુધારેલી ‘ફાઈન્ડ પૉલિસી’ લાગુ કરવા પહેલા પાલિકા પ્રશાસક અને રાજ્ય સરકાર બંનેની મંજૂરી લેવાની આવશ્યક રહેશે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૩ માર્ચ, ૨૦૧૮ના રોજ જાહેર કરેલા નોટિફિકેશન હેઠળ રાજ્યમાં પ્લાસ્ટિકની વસ્તુઓના ઉત્પાદન, તેનો ઉપયોગ, વેચાણ તેના પરિવહન, સંચાલન તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્લાસ્ટિકનો ઉત્પાદનોનો ઉપયોગ ખુલ્લેઆમ થતો હોવાનો સ્વીકાર એમપીસીબીના અધ્યક્ષ સિદ્ધેશ કદમે કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના ઉત્પાદન પર પ્રતિબંધ છે, છતાં પ્લાસ્ટિકનાં ઉત્પાદનોથી બજારોમાં મોટી સંખ્યામાં જોવા મળતાં હોય છે.

આ પણ વાંચો : બીડના સરપંચની હત્યા, ખંડણી કેસમાં સીઆઈડી તથ્યો જાહેર કરે: શિવસેના યુબીટી…

આ ઉત્પાદનો મુખ્યત્વે પડોશી રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આયાત કરવામાં આવતા હોય છે. પડોશી રાજ્યમાં હજી સુધી મહારાષ્ટ્રના માફક પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા નથી.

એમપીસીબી અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન જણાઈ આવ્યું હતું કે પ્લાસ્ટિક ઉત્પાદનો મહારાષ્ટ્રમાં એવા રાજ્યમાંથી લાવવામાં આવે છે કે જ્યાં તે સામાન પર પ્રતિબંધ નથી. તેથી આવા બનાવમાં જે-તે રાજ્યોના અધિકારીઓને યોગ્ય પગલાં લેવા માટે સૂચિત કરવામાં આવ્યું હોવાનું સિદ્ધેશ કદમે જણાવ્યું હતું.
સિદ્ધેશ કદમે વધુમાં જણાવ્યું હતું કે પોલિસી મુજબ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા નાગરિકોને પણ હવે દંડ કરવામાં આવશે.

જોકે ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પોલિસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા નાગરિકો સામે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે, છતાં હજી સુધી તેને અમલમાં મૂકવામાં આવ્યું નથી. અમારે પહેલા નિયમોનું ઉલ્લંઘન કરનારા માટે દંડનું માળખું તૈયાર કરવાનું છે. કારણે વર્તમાન સમયમાં ૫,૦૦૦ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. એક પ્રસ્તાવ તૈયાર કર્યા બાદ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી પાસે મંજૂરી માટે મોકલીશું અને તેને અમલમાં લાવવા પહેલા રાજ્ય સરકારની પણ મંજૂરી લેવી પડશે.

અધિકારીના જણાવ્યા મુજબ ઉત્પાદક, માલનો સ્ટોક કરનારા, સપ્લાયર અને વેચાણકર્તા માટે દંડની રકમની જોગવાઈ છે, જેમાં પહેલી વખત ગુનો કરતા પકડાય તો ૫,૦૦૦ રૂપિયાનો દંડ, બીજી વખત પકડાય તો ૧૦,૦૦૦ અને બાદમાં ૨૫,૦૦૦ રૂપિયાથી લઈને ત્રણ મહિના સુધીની કેદની સજાની જોગવાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button