કઈ ધાર્મિક સત્તા કહે છે કે Hijab પહેરવું ઇસ્લામનો આવશ્યક ભાગ છે?’ બોમ્બે હાઈકોર્ટે અરજદારોને આવો પ્રશ્ન કેમ પૂછ્યો
મુંબઈ: શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાનો વિવાદ(Hijab Row) કર્ણાટકથી શરુ થયા બાદ દેશના ઘણા વિસ્તારોમાં પણ ઉઠ્યો છે, તાજેતરમાં મુંબઈની બે કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મામલે વિવાદ થયો હતો. બોમ્બે હાઈકોર્ટ(Bombay High court)માં ચાલી રહેલા એક કેસમાં મુંબઈની એક કોલેજે બુધવારે દલીલ કરી હતી કે તેના કેમ્પસમાં હિજાબ, નકાબ અને બુરખા પરનો પ્રતિબંધ માત્ર એક સમાન ‘ડ્રેસ કોડ’ લાગુ કરવા માટે છે અને તેનો હેતુ મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનો નથી.
ગયા અઠવાડિયે, નવ વિદ્યાર્થિનીઓએ ચેમ્બુર ટ્રોમ્બે એજ્યુકેશન સોસાયટી અને ડી.કે. મરાઠે કોલેજ દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓને હાઈકોર્ટમાં પડકારી હતી, જાહેર કરાયેલી નોટીસમાં હિજાબ, નકાબ, બુરખો, સ્ટોલ, કેપ અને અન્ય કોઈપણ પ્રકારના પરિધાન પહેરવા પર પ્રતિબંધ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બીજા અને ત્રીજા વર્ષની સાયન્સ ડિગ્રી વિદ્યાર્થીનીઓએ કહ્યું કે આ નિયમ ધર્મ પાળવાના તેમના મૂળભૂત અધિકાર, ગોપનીયતાના અધિકાર અને પસંદગીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમણે દાવો કર્યો હતો કે કોલેજની કાર્યવાહી મનસ્વી, ગેરવાજબી છે.
જસ્ટિસ એ.એસ. ચાંદુરકર અને જસ્ટિસ રાજેશ પાટીલની ડિવિઝન બેન્ચે બુધવારે અરજદારોના વકીલને પૂછ્યું કે કઈ ધાર્મિક સત્તા કહે છે કે હિજાબ પહેરવું ઇસ્લામનો આવશ્યક ભાગ છે? કોર્ટે કોલેજ મેનેજમેન્ટને પણ પૂછ્યું કે શું તેની પાસે આવો પ્રતિબંધ લાદવાની સત્તા છે?
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે તે 26 જૂને આદેશ આપશે. અરજદારોના વકીલ અલ્તાફ ખાને તેમની દલીલોના સમર્થનમાં કુરાનની કેટલીક કલમો ટાંકી હતી. તેમણે કહ્યું કે તેમના ધર્મનું પાલન કરવાના અધિકાર સિવાય, અરજીકર્તાઓ તેમની પસંદગી અને ગોપનીયતાના અધિકાર પર પણ આધાર રાખે છે.