બદલાપુરમાં બાળકી સાથે દુષ્કર્મઃ સરકારે SIT દ્વારા તપાસનો આપ્યો આદેશ
સ્કૂલ અને સ્ટેશનના પરિસરમાં પથ્થરમારો પોલીસે ભર્યું આ પગલું, ટ્રેનસેવાને અસર
બદલાપુરઃ થાણેના બદલાપુર ખાતે આવેલી જાણીતી કો-એડ સ્કૂલના નર્સરીમાં ભણતી બાળકીની સફાઇ કર્મચારીએ કરેલા દુષ્કર્મની ઘટના બાદ વાતાવરણ ગરમાયુ છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ મંગળવારે સ્કૂલની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ હાથમાં બેનર, પોસ્ટર લઇને ઉગ્ર દેખાવો કર્યા હતા. આટલેથી જ ના અટકતા લોકોએ રેલવે સ્ટેશન ખાતે પણ દેખાવો કર્યા હતા. લોકોને ટ્રેક પરથી હટાવવા પ્રયત્ન કરતા પોલીસે લોકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડ્યું હતું. હજારો લોકોએ રેલવે સ્ટેશનને ઘેરી લેતા બદલાપુર સેક્શનની ટ્રેનસેવા ઠપ રહી હતી.
રેલવે ટ્રેક પર આવીને વિરોધ કરતા લોકોને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઇ છે. રેલવે ટ્રેક પર એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. લોકોએ પોલીસ દળ પર પથ્થરમારો પણ કર્યો હતો. બદલાપુરમાં રોષે ભરાયેલા લોકોએ રેલ રોકો કરી રેલવે ટ્રેક બ્લોક કરી દેતા ટ્રેનોની અવરજવરને ભારે અસર પડી છે. મુંબઇથી ઉપડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને અન્ય રૂટ પર વાળીને તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહી છે.
ગુનેગારોને બક્ષવામાં નહીં આવેઃ સીએમ શિંદે
આ પણ વાંચો : બાળકીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં બદલાપુરમાં રેલ રોકો આંદોલન, બે કલાકથી રેલ વ્યવહાર ઠપ…
બદલાપુર ઘટના પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પ્રતિક્રિયા આવી છે. એકનાથ શિંદેએ જણાવ્યું છે કે તેમણે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે. ઘટનાની તપાસ માટે એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે. સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ કેસમાં જે પણ દોષી હશે તેને બક્ષવામાં નહીં આવે.
નાયબ મુખ્ય પ્રધાને SITની રચના કરવા આદેશ આપ્યો
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બદલાપુરમાં બનેલી કમનસીબ ઘટનાની તપાસ કરવા માટે IG રેન્કના વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહના નેતૃત્વમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. તેમણે થાણે પોલીસ કમિશનરને પણ આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવા માટે દરખાસ્ત રજૂ કરવાનો આદેશ આપ્યો છે, જેથી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી શકાય.
બદલાપુર મામલે હવે વિરોધ પક્ષના નેતાઓના નિવેદન પણ આવ્યા છે. વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે પોલીસ કમિશનર ડુમ્બરે સાથે ફોન પર ચર્ચા કરી છે. આ ઘટના અંગે પીડિતા બાળકીના માતા-પિતા જ્યારે પોલીસમાં ફરિયાદ લખાવવા ગયા ત્યારે પોલીસે તેમની ફરિયાદ પર ધ્યાન નહોતું આપ્યું અને તેમને 11 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવું પડ્યું હતું. આ અંગે લાગતાવળગતા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી સામે પગલાં લેવાની અને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ત્રણ મહિનાની અંદર આરોપીને ફાંસીની સજા આપવાની પણ તેમણે માગણી કરી હતી