આમચી મુંબઈમહારાષ્ટ્ર

Badlapur protest: બાળકી પર દુષ્કર્મ: રાજકારણીઓએ શું પ્રતિક્રિયા આપી જાણો

કાર્યવાહી થાય ત્યાં સુધી કેસ પર નજર રાખજો: રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ) અધ્યક્ષ રાજ ઠાકરેએ આ પ્રકરણે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે બદલાપુરની શાળામાં નાનકડી બાળકી સાથે જે ભયાનક ઘટના બની છે તે ચોંકાવનારી અને રોષ નિર્માણ કરનારી છે. મહત્ત્વનો સવાલ એ છે કે પોલીસે આ મામલે ગુનો નોંધવામાં બાર કલાકનો સમય શા માટે લીધો? એક બાજુ કાયદાનું શાસન છે કહેવાય છે અને બીજી બાજુ પોલીસ આવું બેજવાબદારીભર્યું વર્તન કરી રહી છે. મારા મહારાષ્ટ્ર સૈનિકોએ આ મુદ્દો સામે લાવ્યો છે અને મારી તેમને સૂચના છે કે આ પ્રકરણે આરોપીને કડક સજા થાય ત્યાં સુધી તમારી નજર આ કેસ પર રાખજો.

નરાધમોને છડેચોક ફાંસી આપો: સુપ્રિયા સુળે
બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ આરોપીઓને ફાંસી આપવાની માગણી કરતા જણાવ્યું હતું કે કોઇ ઘટના બને તો ફક્ત અધિકારીઓની બદલી કરીને પ્રકરણ પૂરું નહીં થઇ જાય. ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાને આનો જવાબ આપવો પડશે. જે ઘટના બદલાપુરમાં બની છે તેનો હું જાહેર વિરોધ કરું છું. આવી પરિસ્થિતિને ખૂબ જ સંવેદનશીલ પદ્ધતિએ હાથ ધરવી જોઇએ. એટલે પ્રસારમાધ્યમો સહિત બધાને વિનંતી છે કે બાળકીની ઓળખ જાહેર ન કરે. સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવી નરાધમોને છડેચોક ફાંસી આપવી જોઇએ. ફાંસી થશે તો જ બળાત્કારીઓમાં ડર બેસશે. આજે ખાખી વરદીનો ડર રહ્યો નથી એવું જણાય છે.

ઘટના સંવેદનશીલ, પણ વિપક્ષ રાજકીય રોટલી શેકે છે: ફડણવીસ
રાજ્યના ગૃહ પ્રધાને આરોપીઓને ફાંસી અને વિરોધ પક્ષે કરેલી માગણી અંગે જણાવ્યું હતું કે બાળકીના વાલી પોલીસ પાસે ગયા ત્યાર પછી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. જોકે કોઇએ જાણીબૂઝીને વિલંબ કર્યો, કોઇએ આ ઘટના છૂપાવવાનો પ્રયાસ કર્યો છે કે શું એ બાબતે એસઆઇટી(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસ કરાશે. બેદરકારી દાખવનારા સામે કડક કાર્યવાહી કરાશે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે. આરોપીઓને ફાંસી આપવાની માગણી થઇ રહી છે ત્યારે અમે કાયદાની દૃષ્ટીએ જેટલી ઝડપ થઇ શકે તે કરાશે. પોલીસ સંવેદનશીલ થઇને કામ કરી રહી છે અને ક્યાંય રમખાણો ન થાય તેની કાળજી લઇ રહી છે. જ્યારે આવા સંવેદનશીન મામલે પણ વિરોધ પક્ષ રાજકીય રોટલા શેકી રહ્યો છે. આવી ઘટના ઉપર તો વિપક્ષે રાજકારણ ન કરવું જોઇએ.

આ પણ વાંચો : બદલાપુરમાં બાળકી સાથે દુષ્કર્મઃ સરકારે SIT દ્વારા તપાસનો આપ્યો આદેશ

શાળા ભાજપ સાથે સંકળાયેલા લોકોની: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ શાળાના સંચાલકો ભાજપ સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે ગુનેગારોની ‘શક્તી’ કાયદાની શક્તીનો પરચો મળવો જોઇએ. મને હાલમાં જ ખબર પડી કે શાળા ભાજપ સાથે સંકળાયેલા લોકોની છે. શાળાના સંચાલક મંડળમાં ભાજપના કોઇ પદાધિકારી છે. હું આમ કહીને રાજકારણ નથી કરતો. કોઇ બીજાએ પણ રાજકારણ કરવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. લોકોએ બધા મતભેદ ભૂલીને એકસાથે આવવું જોઇએ. આરોપીઓ પર કડક કાર્યવાહી થવી જોઇએ. આ ઉપરાંત જો આરોપી પણ કોઇપણ પક્ષનો કાર્યકર્તાઓ હોય, તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જ જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ મૂકેલા આરોપનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે અને આવા સંવેદનશીલ પ્રકરણે નીચલી કક્ષાનું રાજકારણ કરવું તેમને શોભતું નથી. તેમની કક્ષાના નેતાએ આવા નિવેદન ન આપવા જોઇએ.

લોકોએ સરકારને સાથ આપવાની જરૂર: ગિરીશ મહાજન
બાળકી પર બળાત્કાર થયાની ઘટનાની જાણ થતા જ બદલાપુર રેલવે સ્ટેશન પર રેલ રોકો આંદોલન શરૂ થયું હતું અને રોષે ભરાયેલા લોકોને સમજાવવા માટે સરકારના પ્રતિનિધિ તરીકે ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજન પહોંચ્યા હતા. એક મહિલાએ ગિરીશ મહાજનને જો તમારી દીકરી સાથે આમ થયું હોત તો તેવો સવાલ પૂછતા મહાજને કહ્યું હતું કે તમે ઇચ્છતા હોવ તો હું અહીંથી ચાલ્યો જઇશ પણ તમે રેલ રોકો આંદોલન બંધ કરી દો. રેલ રોકોના કારણે દરદીઓ, મહિલાઓ અને હજારો પ્રવાસીઓ અટવાઇ ગયા છે. આ વાત ધ્યાનમાં લઇ સરકારને સહકાર આપો. બેદરકાર પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થશે. તમે જે ઇચ્છો છો તે જ સરકાર પણ ઇચ્છે છે.

બાળકીના વાલીઓને 11 કલાક રાહ જોવડાવી: વડેટ્ટીવાર
વિધાનસભાના વિરોધપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આ પ્રકરણે પોલીસ પર આરોપ મૂકતા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કહ્યું હતું કે આ ઘટના કોલકાતામાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરતાં મોટી છે. સાડા ત્રણ અને ચાર વર્ષની બાળકી પર અત્યાચાર થઇ રહ્યો છે અને તેમના વાલીઓને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં 11 કલાક સુધી રાહ જોવડાવવામાં આવે છે. કોઇ સંવેદનશીલતા બચી છે કે નહીં?મેં પોલીસ કમિશનર સાથે વાત કરી અને કહ્યું કે વિલંબ માટે જવાબદાર મહિલા પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ત્રણ મહિનામાં આરોપી વિરુદ્ધનો કેસ પૂરો કરી તેને ફાંસી આપવી જોઇએ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button