બદલાપુરમાં બે બાળકી સાથે દુષ્કર્મ: સફાઇ કર્મચારી વિરુદ્ધ બે અલગ ચાર્જશીટ દાખલ
થાણે: બદલાપુરની શાળામાં કિંડરગાર્ટનની બે બાળકી સાથે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા સફાઇ કર્મચારી અક્ષય શિંદે સામે એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ કલ્યાણ ખાતેની વિશેષ પોક્સો કોર્ટમાં બે અલગ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીની ભૂતપૂર્વ પત્નીને ચાર્જશીટમાં સાક્ષીદાર બનાવવામાં આવી છે.
આરોપીની ભૂતપૂર્વ પત્નીએ તાજેતરમાં ફરિયાદ કરી હતી કે આરોપી તેની સાથે અનૈસર્ગિક સંભોગ કરતો હતો. આથી લગ્નના થોડા જ દિવસમાં તેણે તેને છોડી દીધો હતો. આથી આનો આધાર લઇ આરોપીની વિકૃત માનસિકતા બંને ચાર્જશીટમાં બતાવવાનો એસઆઇટી દ્વારા પ્રયાસ કરાયો છે. સોમવારે અને ગુરુવારે ચાર્જશીટ દાખલ કરાઇ હતી.
એસઆઇટીએ સાક્ષીદારનાં નિવેદન અને આરોપીની કબૂલાત જેવા ટેક્નિકલ, તબીબી અને અન્ય પુરાવા 500થી વધુ પાનાંની ચાર્જશીટ સાથે દાખલ કર્યા છે. ચાર્જશીટમાં શાળાના અનેક કર્મચારી, બે સહાયકો, શિક્ષક, પ્રિન્સિપાલને પણ સાક્ષીદાર બનાવવામાં આવ્યાં છે. શાળાના પ્રવેશદ્વારના સીસીટીવી ફૂટેજ પણ જોડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઑગસ્ટમાં બંને બાળકીએ દુષ્કર્મની જાણ કરી હતી, જેને પગલે પોલીસે સફાઇ કર્મચારીની ધરપકડ કરી હતી. જોકે પોલીસે કાર્યવાહીમાં ઢીલ કરી હોવાનો આક્ષેપ કરી 20 ઑગસ્ટે વાલીઓ તથા સ્થાનિકો દ્વારા બદલાપુર બંધની હાકલ કરી લોકલ ટ્રેનને કલાકો સુધી રોકી હતી. એ સિવાય શાળામાં પણ તોડફોડ કરાઇ હતી. બાદમાં પોલીસે શાળાના પ્રિન્સિપાલ, સેક્રેટરી, ચેરમેન સામે ગુનો દાખલ કર્યો હતો. બદલાપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલને બેદરકારી માટે સસ્પેન્ડ કરાયા હતા.