આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?

મુંબઈઃ બદલાપુરની એક શાળામાં બે માસૂમ બાળકીઓનું જાતીય શોષણ કરનાર આરોપી અક્ષય શિંદેનું પોલીસે સોમવારે એન્કાઉન્ટર કર્યું હતું. ઘટના સમયે પોલીસ ટીમ અક્ષયને કોર્ટમાં હાજર કરવા તળોજા જેલમાંથી તેમની સાથે લઈ જઈ રહી હતી ત્યારે પોલીસ સાથે ઝપાઝપીમાં મોત મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો : બદલાપુરના ‘દુષ્કર્મી’નું એન્કાઉન્ટરઃ અજિત પવારે વિપક્ષોને આપ્યો જવાબ

આ એન્કાઉન્ટરમાં સામેલ અને આરોપી અક્ષય શિંદેને ઠાર મારનાર પોલીસ ઈન્સ્પેક્ટરનું નિવેદન આવ્યું છે. આરોપી અક્ષય શિંદેને ગોળી મારનાર પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે તલોજા જેલમાંથી આરોપી અક્ષય શિંદેની કસ્ટડી લીધા પછી, અમે તેને થાણેમાં અમારી ઑફિસમાં લઈ જઈ રહ્યા હતા. તે સમયે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરે, પોલીસ હવાલદાર અભિજીત મોરે અને હરીશ તાવડે પણ મારી સાથે હતા.
અક્ષય શિંદેએ બૂમો પાડતા પોલીસ વાન રોકી

પોલીસ વાનમાં પાછળ એપીઆઈ નિલેશ મોરે, હવાલદાર અભિજીત મોરે અને હરીશ તાવડે આરોપી અક્ષય શિંદે સાથે બેઠા હતા અને હું ડ્રાઈવરની બાજુમાં બેઠો હતો. જ્યારે વાન શીલ ડાઉઘર પહોંચી, ત્યારે મને સહાયક પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરેનો ફોન આવ્યો અને મને કહ્યું કે અક્ષય શિંદે જોર જોરથી બૂમો પાડી રહ્યો છે. ત્યાર બાદ મેં વાન રોકી અને પાછળ જઈને બેઠો. મારી સામેની સીટ પર આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરે બેઠા હતા, તેમની બાજુમાં આરોપી અક્ષય શિંદે અને તેની બાજુમાં પોલીસ હવાલદાર અભિજીત મોરે બેઠા હતા.

અક્ષયને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ

મેં અક્ષયને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અપશબ્દો બોલી રહ્યો હતો. દરમિયાન જ્યારે અમારી વાન મુંબઈના વાય જંકશન બ્રિજ પર પહોંચી, ત્યારે સાંજે લગભગ ૬.૧૫ વાગ્યે અક્ષય શિંદેએ અચાનક મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરેની કમર પર રહેલી સરકારી પિસ્તોલ લેવાનો પ્રયાસ કર્યો. તે બૂમો પાડી રહ્યો હતો, મને જવા દો. તેમણે કહ્યું કે આ સંઘર્ષમાં નિલેશ મોરેની પિસ્તોલ લોડ થઈ ગઈ અને તેમના ડાબા પગમાં ગોળી વાગી, જેના કારણે તે નીચે પડી ગયા. અક્ષય શિંદેએ પિસ્તોલ હાથમાં લઈને જોરથી બૂમો પાડીને કહ્યું હતું કે હવે હું કોઈને જીવતા નહીં છોડું.

અક્ષયે હરીશ તાવડે પર બે ગોળી ચલાવી હતી

અચાનક અક્ષય શિંદેએ પિસ્તોલ કોન્સ્ટેબલ હરીશ તાવડે તરફ તાકી અને તેને મારવાના ઈરાદે બે ગોળી ચલાવી, પરંતુ સદનસીબે તે ગોળીઓ અમને વાગી નહીં. અક્ષયનું આ ઉગ્ર સ્વરૂપ અને તેના ઈરાદા જોઈને અમને પૂરી ખાતરી થઈ ગઈ કે તે અમને મારી નાખશે. આથી મારી અને મારા સાથીદારોની સલામતી માટે મેં મારી પિસ્તોલમાંથી અક્ષય તરફ ગોળી ચલાવી અને જેમાં તેને ઇજા થઇ અને તે નીચે પડી ગયો અને તેના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ હતી.

દાખલ કર્યા પહેલા આરોપીનું થયું મૃત્યુંઃ સંજય શિંદે

પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદેએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પછી અમે આરોપી અક્ષય શિંદેને દબોચી લીધો અને ડ્રાઈવરને નજીકના કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ જવા કહ્યું. ત્યાં મેં આરોપી અક્ષય શિંદે અને મદદનીશ પોલીસ નિરીક્ષક નિલેશ મોરેને સારવાર માટે દાખલ કર્યા હતા. ડૉક્ટરોએ સારવાર શરૂ કરી હતી મને પછી ખબર પડી કે આરોપીને દાખલ કરતા પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.

પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ એ હકીકત

પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદેના જણાવ્યા અનુસાર વાનમાં કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપી અક્ષયે એક ગોળી ચલાવી હતી, જે પોલીસ અધિકારી નિલેશ મોરેને વાગી હતી. ત્યારબાદ વધુ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે અન્ય પોલીસકર્મીઓને વાગ્યું નહોતું . આ પછી પોલીસે સ્વબચાવમાં અક્ષય પર ગોળી ચલાવી હતી.

બદલાપુરમાં શું બન્યો હતો બનાવ?

બદલાપુર પોલીસે અક્ષય શિંદેની સ્કૂલની બે છોકરીઓના યૌન શોષણના આરોપમાં ધરપકડ કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાલીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન, પ્રદર્શનકારીઓએ શાળામાં તોડફોડ કરી અને ‘રેલ રોકો’ દરમિયાન સ્થાનિક રેલવે સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી છે.

અક્ષય શિંદેએ બે વખત કર્યા હતા લગ્ન

તેણે બે વાર લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. પ્રથમ પત્નીએ તેને છોડી દીધાના ૪ મહિના પછી જ તેણે બીજા લગ્ન કર્યા હતા. જો કે તેની આદતોના કારણે તેની બીજી પત્નીએ પણ તેને છોડી દીધો હતો. સ્કૂલના બાથરૂમમાં બે છોકરીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ ૧૬ ઓગસ્ટે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…