બદલાપુરની ફૅક્ટરીમાં ધડાકા સાથેની આગમાં એક જણનું મોત: ચાર કામગાર જખમી
એક કિલોમીટરના પરિસરમાં ધડાકા સંભળાયા: ફૅક્ટરી બહાર પાર્ક વાહનો પણ સળગ્યાં
થાણે: થાણે જિલ્લાના બદલાપુર ખાતે આવેલી કેમિકલ ફૅક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર કામગાર ગંભીર રીતે દાઝ્યા હતા. આગને કારણે ફૅક્ટરીમાં એક પછી એક એટલી તીવ્રતાથી ધડાકા થયા હતા કે તેની અસર લગભગ એક કિલોમીટર સુધીના પરિસરમાં વર્તાઈ હતી.
આગને કારણે ફૅક્ટરી બહાર પાર્ક વાહનો પણ સળગ્યાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે આગની ઘટના ગુરુવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ બદલાપુરમાં ખારવાઈ એમઆઈડીસીમાં આવેલી કેમિકલની ફૅક્ટરીમાં બની હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું, પરંતુ ફૅક્ટરીમાંના પ્લાન્ટના રીએક્ટરમાં ધડાકાને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગ લાગ્યા પછી ફૅક્ટરીમાં પાંચથી છ ધડાકા થયા હતા. ધડાકા એટલા જોરથી થયા હતા કે તેનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાતો હતો. કહેવાય છે કે ફૅક્ટરીમાં કેમિકલ ભરેલાં ડ્રમ રાખવામાં આવ્યાં હતાં. આ ડ્રમ આગની ચપેટમાં આવવાને કારણે આગ વધુ ફેલાઈ હતી.
ધડાકાને કારણે સળગતા કકડા ફૅક્ટરી ફરતેના અડધો કિલોમીટર સુધીના પરિસરમાં ઊડ્યા હતા, જેને કારણે ફૅક્ટરી બહાર પાર્ક વાહનોમાં પણ આગ લાગી હતી. એક ટેમ્પો અને કેટલાંક વાહનો આગમાં સળગી ગયાં હતાં. આગમાં ઘવાયેલા ચાર કામગારને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આગની માહિતી મળતાં જ અંબરનાથ, બદલાપુર અને ઉલ્હાસનગર ફાયર બ્રિગેડમાંથી ચાર ફાયર એન્જિન સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ ફૅક્ટરીની બાજુમાં આવેલાં બે કારખાનાં સુધી ફેલાઈ હતી. લગભગ ચાર કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફૅક્ટરીમાં તપાસ કરતાં એક કામગાર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે તેની ઓળખ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. (પીટીઆઈ)