બદલાપુરમાં આરોપીનું એન્કાઉન્ટર: તપાસમાટે ડીજીપીએ નવી એસઆઈટી બનાવી

મુંબઈ: બદલાપુરની શાળામાં બાળકીઓ સાથે કુકર્મ આચરવાના કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર પ્રકરણની તપાસ માટે મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસે નવી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ડીસીપી રશ્મી શુક્લાએ એડિશનલ પોલીસ કમિશનર દત્તા શિંદેના વડપણ હેઠળની નવી એસઆઈટી નિયુક્ત કરી હતી. મીરા-ભાયંદર વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસમાં ફરજ બજાવતા શિંદે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રૅન્કના અધિકારી છે.
નવી એસઆઈટીમાં પિંપરી-ચિંચવડના એક ડેપ્યુટી પોલીસ કમિશનર, એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, બે સિનિયર ઈન્સ્પેક્ટર, જેમાંથી એક નવી મુંબઈ પોલીસ સાથે સંકળાયેલો છે, બે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર, એક સબ-ઈન્સ્પેક્ટર અને એક આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: બદલાપુર એન્કાઉન્ટર કેસ:આવી બેશરમી…
ડીસીપી અને સિનિયર ઈન્સ્પેક્ટર સિવાયના બધા અધિકારી એમબીવીવી પોલીસમાં ફરજ બજાવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ કેસની અગાઉ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) દ્વારા તપાસ કરવામાં આવતી હતી. સીઆઈડી પાસેથી કેસ સંબંધી દસ્તાવેજો મેળવીને એસઆઈટી નવેસરથી તપાસ હાથ ધરશે.
આ પણ વાંચો: બદલાપુર એન્કાઉન્ટર કેસના મેજિસ્ટ્રેટ રિપોર્ટને રાજ્ય સરકાર પડકારશે
એડિશનલ કમિશનર દત્તા શિંદે થાણે અને નવી મુંબઈમાં કામ કરી ચૂક્યા હોવાથી એ વિસ્તારથી સારીપેઠે જાણકાર છે. તે પાલઘરના સુપરિન્ટેન્ડેન્ટ પણ રહી ચૂક્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બદલાપુરની ખાનગી શાળાના કિંડરગાર્ટનમાં ભણતી બે બાળકી સાથે દુષ્કર્મ કરવાના આરોપસર પોલીસે અક્ષય શિંદે (24)ની ધરપકડ કરી હતી. 23 સપ્ટેમ્બર, 2024ના રોજ નવી મુંબઈ તળોજા જેલમાંથી થાણે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસે લઈ જતી વખતે પોલીસ વૅનમાં જ એન્કાઉન્ટરમાં અક્ષયનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ બનાવટી એન્કાઉન્ટર હોવાનો દાવો કરી શિંદેના પરિવારજનોએ કોર્ટમાં દાદ માગી હતી.
(પીટીઆઈ)