બદલાપુર કેસ મુદ્દે રાજ્ય સરકારે હવે હાઈ કોર્ટમાં શું કહ્યું, જાણો નવી અપડેટ?
કેસની તપાસ પૂર્ણ થવાને કારણે એસઆઇટી બરખાસ્ત કરવામાં આવી

મુંબઈ: બદલાપુરના જાતીય હુમલાના કેસની તપાસ પૂર્ણ થઇ છે અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ વરિષ્ઠ પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરાયો છે, એમ રાજ્ય સરકારે મંગળવારે બૉમ્બ હાઇ કોર્ટને જણાવ્યું હતું. સ્કૂલના ટ્રસ્ટીઓ અને મૃત્યુ પામેલા આરોપી સામે બે ચાર્જશીટ દાખલ કરાઇ છે. આ સિવાય કેસને ગંભીરતાથી નહીં લેવા માટે બે પોલીસ કોન્સ્ટેબલને કડક ચેતવણી પણ આપવામાં આવી છે. આ કેસની તપાસ પૂર્ણ થવાને કારણે એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બરખાસ્ત કરવામાં આવી છે, એમ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું.
બાળકીની જાતીય સતામણીના કેસમાં વિરોધ પ્રદર્શન થયા ઑગસ્ટમાં બદલાપુરની એક સ્કૂલમાં એક કર્મચારીએ ચાર અને પાંચ વર્ષની બાળકીની કરેલી જાતીય સતામણીના પ્રકરણે લોકોમાં ઘણા રોષ ભરાયો હતો અને ઠેરઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં આરોપીને પૂછપરછ માટે પોલીસ વાહનમાં લઇ જતી વખતે તેણે પોલીસની પિસ્તોલ છીનવી લીધી હતી ત્યારે પોલીસ દ્વારા કરાયેલા સામા ગોળીબારમાં તેનું મોત થયું હતું.
વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કર્યાં એફઆઇઆર નોંધવામાં તથા તપાસ શરૂ કરવામાં થયેલા વિલંબ બાદ બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે વિભાગીય તપાસ હાથ ધરાઇ હતી. ‘વિભાગીય તપાસ બાદ વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેનો બે વર્ષનો વેતન વધારો પણ અટકાવી દેવામાં આવ્યો છે’, એમ વકીલે કોર્ટને જણાવ્યું હતું.
આરોપીના માતાપિતાને કોર્ટમાં હાજર થવાનો આદેશઆરોપીના માતાપિતાએ પોલીસ સુરક્ષા નકારી કાઢી હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું, પરંતુ આરોપીના માાતા-પિતાના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેઓએ પોલીસ સુરક્ષા નકારી નથી. ત્યારે કોર્ટે તેના માતા-પિતાને ગુરુવારે કોર્ટમાં હાજર થવાનું કહ્યું હતું.