બદલાપુર કેસ: સ્કૂલના ટ્રસ્ટીઓના હાઇ કોર્ટે જામીન નકાર્યા
તેમની ધરપકડ ન કરવા માટે પોલીસની ઝાટકણી પર કાઢી

મુંબઈ: બદલાપુરમાં સ્કૂલમાં બે બાળકીઓ સાથે કુકર્મના કેસમાં બૉમ્બે હાઇ કોર્ટે મંગળવારે સ્કૂલના બે ટ્રસ્ટીઓને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો તથા હજી સુધી તેમની ધરપકડ ન કરાઇ હોવાને કારણે પોલીસની જોરદાર ઝાટકણી કાઢી હતી.
આ કેસની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) દ્વારા બન્ને ટ્રસ્ટીને હાજર ન કરવા બદલ હાઇ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે શું તેઓ આગોતરા જામીનની અરજી કરે તેની રાહ જોઇ રહ્યા છો?
ટ્રસ્ટીઓના આગોતરા જામીનની અરજીને નકારતા કોર્ટે નોંધ્યું હતું કે આ ગુનો ગંભીર છે અને ઓગસ્ટમાં જે સ્કૂલમાં બાળકીઓની જાતીય સતામણી થઇ તે સ્કૂલના આરોપીઓ ચેરમેન અને સેક્રેટરી છે. તેથી સ્કૂલનું મેનેજમેન્ટ આ ઘટના માટે જવાબદાર છે.
‘પ્રથમદર્શી એવું જણાઇ રહ્યું છે કે બન્ને આરોપીને ૧૬મી ઓગસ્ટ પહેલા આ કથિત ગુનાની જાણ હતી, પરંતુ તેઓ પોલીસ અથવા સ્થાનિક સત્તાવાળાઓને જાણ કરવા માટેના પગલાં લેવામાં તેઓ નિષ્ફળ ગયા હતા’, એમ જજે જણાવ્યું હતું.
‘પીડિતો સગીર છે. તેઓએ જે આઘાત સહન કર્યો છે તેની પીડા ઘણા વર્ષો સુધી તેઓ અનુભવતા રહેશે. તેમના ઉપર એક પ્રકારનો ડર કાયમી સ્વરૂપે ઘર કરી જશેે’, એમ કોર્ટે નોંધ્યું હતું. એ વાતમાં કોઇ શંકા જ નથી કે અરજદારો જ સ્કૂલના મેનેજમેન્ટ માટે જવાબદાર છે, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
‘પ્રથમદર્શી એવું જણાય છે કે પીડિતાઓના માતાપિતાએ સૌથી પહેલા ક્લાસ ટીચર અને સ્કૂલના અન્ય સ્ટાફને આ ઘટના અંગે જણાવ્યું હતું. અરજદારોને આ ઘટના વિશે ૧૬મી ઓગસ્ટ પહેલા જ જાણ હતી. આ ઘટના અંગે જાણતા હોવા છતાં તેઓએ પોલીસને જણાવ્યું નહોતું. પોલીસ ફરિયાદ નોંધાવવામાં થયેલા વિલંબ માટે સૌથી પહેલા તો અરજદાર જવાબદાર છે’, એમ કોર્ટે કહ્યું હતું.
આ પ્રકરણે આપમેળે કરાયેલી જનહિત અરજીની સુનાવણી વખતે સરકારી વકીલે જણાવ્યું હતું કે બન્ને આરોપીને પકડવા માટેના તમામ પગલાં સિટ દ્વારા લેવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે કહ્યું હતું કે પોલીસ આરોપીને પકડવા માટે કોઇ પણ હદ પાર કરી જાય છે ત્યારે આ બન્નેને જ પકડવા માટે પોલીસ કેમ અસમર્થ રહી હતી? આરોપીઓ આગોતરા જામીનની અરજી કરે તેની રાહ જોવાઇ રહી હતી?, એવા સવાલ પણ કોર્ટે કર્યા હતા.
સરકારી વકીલે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવાનું આશ્ર્વાસન આપ્યા બાદ કોર્ટે સુનાવણી ૨૩મી ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી.
કોર્ટે કરેલી મહત્ત્વની નોંધ
- ‘પીડિતો સગીર છે. તેઓએ જે આઘાત સહન કર્યો છે તેની પીડા ઘણા વર્ષો સુધી તેઓ અનુભવતા રહેશે. તેમના ઉપર એક પ્રકારનો ડર કાયમી સ્વરૂપે ઘર કરી જશેે’
*પોલીસ આરોપીને પકડવા માટે કોઇ પણ હદ પાર કરી જાય છે ત્યારે આ બન્નેને જ પકડવા માટે પોલીસ કેમ અસમર્થ રહી હતી? આરોપીઓ આગોતરા જામીનની અરજી કરે તેની રાહ જોવાઇ રહી હતી?