સ્ટ્રીટ ફૂડ માટે વિશ્વમાં જાણીતા મુંબઈ માટે બેસ્વાદ સમાચારઃ રેંકિગમાં આટલું નીચે પટકાયું | મુંબઈ સમાચાર

સ્ટ્રીટ ફૂડ માટે વિશ્વમાં જાણીતા મુંબઈ માટે બેસ્વાદ સમાચારઃ રેંકિગમાં આટલું નીચે પટકાયું

મુંબઈઃ દક્ષિણ મુંબઈની ઝવેરી બજાર, કે વ્હોરા બજારની ખાઉ ગલી કે પછી દરેક પરાની ખાવ ગલી, સ્ટેશન આસપાસની લારીઓ, મુંબઈ એટલે સ્ટ્રીટફૂડનું સ્વર્ગ. વડાપાંઉથી માંડી મોમોઝ, કે કાકડી ટમેટાનું સલાડ પણ અહીંનું ફેમસ, સેવમમરાની સૂકી સેવ કે પછી દેશના દરેક ખૂણાની સ્પેશિયલ વાનગીઓ અહીં બધુ જ મળે. તમને સસ્તુ ખાવું હોય તો સસ્તું અને જો ગજવામાં પૈસા હોય તો 500 રૂપિયાની ચા પીવડાવતી ફાઈવસ્ટાર હોટેલ્સની પણ અહીં કમી નથી. મુંબઈની માયા લોકોને લાગે છે તેનું એક કારણ અહીંની ખાણીપીણી પણ છે. કોઈજાતની શરમ વિના રસ્તે હાલતા ચાલતા હાથમાં વડાપાંવ કે ભેલનું પડીકું ખાવાની પરંપરા લગભગ દેશના આ એકમાત્ર શહેરમાં જ છે અને શહેરની ખાણીપીણીની નોંધ વૈશ્વિક સ્તરે લેવામાં આવે છે, પરંતુ ખૂબ માઠા સમાચાર એ છે કે મુંબઈની ફૂડ ક્વોલિટી નીચે ગઈ છે તેમ રેંકિંગ જણાવે છે.

ટાઈમ આઉટ (Time Out) દ્વારા વિશ્વના 20 શહેરની ફૂડ આઈટમ્સ (Best Food City In The World)ના રેકિંગ બહાર પાડવામાં આવ્યા છે. આ વર્ષે પણ, મુંબઈને ટાઈમ આઉટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વિશ્વના શ્રેષ્ઠ ફૂડ (બેસ્ટ ફૂડ સિટી ઈન ધ વર્લ્ડ) માટે ટોચના 20 શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મુંબઈનું રેંકિંગ નીચે પટકાયું છે. આ વર્ષે, મુંબઈ વિશ્વના બેસ્ટ ફૂડ સાથેના શહેરોની યાદીમાં 14માં સ્થાને છે. ગયા વર્ષે મુંબઈ 8મા ક્રમે હતું. આમ છ રેંક નીચે આવ્યું છે.

ફૂડ, લાઈફસ્ટાઈ, અને એન્ટરટેઈનમેન્ટ ગાઈડ બહાર પાડતા મેગેઝિન ટાઈમ આઉટ એ વિશ્વના ટોચના 20 શહેરોની યાદી બહાર પાડી છે. આમાં મુંબઈનો સમાવેશ કરતી વખતે ટાઈમ આઉટે મુંબઈના સ્ટ્રીટ ફૂડ એટલે કે ખાઉ ગલીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. દક્ષિણ મુંબઈના ઝવેરી બજારથી લઈને ઉત્તર મુંબઈના ઘાટકોપર સુધી, ખાઉ ગલી તેના ફાસ્ટ ફૂડ માટે પ્રખ્યાત છે. ટેસ્ટી ચાટ, જમ્બો-સેન્ડવિચથી લઈને ‘પિઝા’, ફ્રેન્કી-રૅપ અને ડ્રાય-ફ્રૂટ ફાલુદા બધું મુંબઈમાં સ્ટ્રીટ ફૂડનો મુખ્ય ભાગ છે તેવું મેગેઝિને નોંધ્યું છે. ન્યૂ ઓર્લિયન્સ (યુએસએ), બેંગકોક (થાઈલેન્ડ) અને મેડેલિન (કોલંબિયા) એ રેન્કિંગમાં અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે ત્યારે મુંબઈ છેક 14માં સ્થાને ફેંકાયું છે.

આ પણ વાંચો…નવી મુંબઈમાં બનાવાશે ‘વીવીઆઈપી ટર્મિનલ’, જાણો કોને મળશે એની સુવિધા?

આ રીતે તૈયાર થાય છે યાદી
ટાઈમ આઉટ મુજબ, તેમણે આ રેંકિંગ માટે વિશ્વભરના હજારો લોકોનો સર્વે કર્યો છે. સ્થાનિકોને તેમના શહેરના ફૂડને 18 જેટલા માપદંડો પર રેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં ગુણવત્તા, પરવડે તેવું અને અને બધાનું ફેવરીટ અથવા એકદમ નવું ફૂડ એ રીતે અલગ અલગ મુદ્દાઓ હતા. ત્યારબાદ એક્સપર્ટ્સ રેંકિગ તૈયાર કરે છે.

જાણી લો યાદી

  1. ન્યૂ ઓર્લિયન્સ, યુએસએ
  2. બેંગકોક, થાઈલેન્ડ
  3. મેડેલિન, કોલમ્બિયા
  4. કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકા
  5. મેડ્રિડ, સ્પેન
  6. મેક્સિકો સિટી, મેક્સિકો
  7. લાગોસ, નાઇજીરીયા
  8. શાંઘાઈ, ચીન
  9. પેરિસ, ફ્રાન્સ
  10. ટોક્યો, જાપાન
  11. મારાકેશ, મોરોક્કો
  12. લિમા, પેરુ
  13. રિયાધ, સાઉદી અરેબિયા
  14. મુંબઈ, ભારત
  15. અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાત
  16. કૈરો, ઇજિપ્ત
  17. પોર્ટો, પોર્ટુગલ
  18. મોન્ટ્રીયલ, કેનેડા
  19. નેપલ્સ, ઇટાલી
  20. સાન જોસ, કોસ્ટા રિકા

    જોકે એ વાત ખરી કે મુંબઈ સિવાય ભારતનું બીજું એકપણ સિટી આ યાદીમાં સ્થાન પામ્યું નથી.

Back to top button