વાનખેડે, પરદેશી સહિતના ‘બાબુ’ઓ લોકસભાની ચૂંટણી લડવા ઉત્સુક
મુંબઈ: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે એ વાતાવરણમાં ઉમેદવારી (ટિકિટ) મેળવવા કોશિશ, દોડાદોડી, પેંતરાબાજી શરૂ થાય એ સ્વાભાવિક છે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં ફરજ બજાવી ચૂકેલા ચાર સરકારી અધિકારીઓ (બાબુઓ)એ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં પ્રવેશ મેળવવા તખ્તો ગોઠવી દીધો છે. મુખ્ય પ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવનારા નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રવીણ પરદેશી, મુંબઈ – નાગપુર એક્સપ્રેસ હાઈવે બાંધવામાં મહત્ત્વની ભૂમિકા બજાવનારા રાધેશ્યામ મોપલવાર, તાજેતરમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના વધારાના કમિશનર પદ પરથી તાજેતરમાં રાજીનામું આપનારા આઈઆરએસ અધિકારી ઉજ્જવલ ચવાણ અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના વિવાદાસ્પદ ડ્રગ કેસને પગલે વિવાદમાં ઘેરાયેલા સમીર વાનખેડે ચૂંટણીમાં ટિકિટ મેળવવા થનગની રહ્યા છે.
આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડે વિદર્ભના વાશિમ જિલ્લાના છે. હાલ તેઓ પત્ની ક્રાંતિ રેડકર સાથે જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થતા જોવા મળી રહ્યા છે. હાલ મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરદેશી ઉસ્માનાબાદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા ઉત્સુક છે. જોકે, પરદેશીએ આ અટકળને સમર્થન નથી આપ્યું, પણ ઉસમનાબાદમાં તેમની સક્રિયતા ઘણું કહી જાય છે. મોપલવાર તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળમાંથી નિવૃત્ત થયા છે. તેઓ મરાઠવાડાના હિંગોળી લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા ઉત્સુક છે. ઉજ્જવલ ચવાણ જળગાંવ જિલ્લામાં ધામણગાંવના છે. ઘણા સમયથી પોતાના વતનથી દૂર રહ્યા હોવા છતાં સોશિયલ મીડિયા મારફત તેમણે સ્થાનિક લોકો સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. ભાજપ તરફથી આશાનું કિરણ દેખાતા તેમણે આઈઆરએસમાંથી રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. આ સિવાય કોસ્ટ ગાર્ડના નિવૃત્ત ઇન્સ્પેક્ટર જનરલ મનોજ બાડકર કર્ણાટકના ઉત્તર ક્ધનડ જિલ્લામાંથી ઉમેદવારી મેળવવાની ખેવના રાખે છે.