આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબા સિદ્દિકીની હત્યાઃ ગુરમૈલ સિંહને કસ્ટડી ફટકારાઇ: બીજો સગીર હોવાનો દાવો…

મુંબઈ: બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં પકડાયેલા બે આરોપીઓમાંથી એકને રવિવારે કોર્ટે 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી, જ્યારે બીજા આરોપી ધર્મરાજ કાશ્યપે પોતે સગીર હોવાનો દાવો કોર્ટમાં કર્યો હતો. આથી તેની ઉંમર નક્કી કરવા માટે કોર્ટે પોલીસે બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા હતા.

પોલીસને ઉપરોક્ત ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીને ફરીથી કોર્ટમાં હાજર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોર્ટ નક્કી કરશે કે આરોપી વિરુદ્ધ જ્યુવેનાઇલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે કે નિયમિત કોર્ટમાં.

આજે બંને આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ કાશ્યપે કોર્ટને જણાવ્યું હતું કે તે 17 વર્ષની વયનો છે. પોલીસે એ સમયે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી પાસેથી જપ્ત કરાયેલા આધાર કાર્ડ પ્રમાણે તેની ઉંમર 21 વર્ષની છે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે કાશ્યપની ઉંમરની ખરાઇ કરી શકે એવા અન્ય કોઇ દસ્તાવેજો જપ્ત કરાયા નથી.

કોર્ટે બાદમાં આરોપીનું આધાર કાર્ડ રજૂ કરવાનું કહ્યું હતું. પોલીસે કાશ્યપના આધાર કાર્ડની નકલ રજૂ કરી હતી. જોકે આધાર કાર્ડમાં ફોટા કાશ્યપનો હતો, પણ નામ રંજનકુમાર ગુપ્તા હતું. આધાર કાર્ડમાં જન્મતારીખ 1 માર્ચ, 2003 દર્શાવવામાં આવી હતી.

બે પિસ્તોલ, 28 કારતૂસો જપ્ત: અન્ય પણ કોઇને મારવાની યોજના હોવાની શંકા

બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપી પાસેથી મેગેઝિન સાથેની બે પિસ્તોલ, 28 જીવંત કારતૂસ, ચાર મોબાઇલ અને બે આધાર કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું. સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે આરોપીઓ પાસેથી 28 જેટલી કારતૂસ જપ્ત કરવામાં આવી હોઇ આરોપીઓ હત્યા કર્યા બાદ મુંબઈથી ફરાર થઇ જવાના હતા કે પછી અન્ય કોઇની હત્યા કરવાની તેમની યોજના હતી? ચૂંટણી નજીક આવી રહી હોવાથી પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપી શું અન્ય કોઇને નિશાન બનાવવાના હતા?

તેમણે એમ પણ કહ્યું હતું કે બાબા સિદ્દિકીની હત્યા પાછળના હેતુની પોલીસ તપાસ કરી રહી છે અને આ ગુનામાં વિદેશની કોઇ ગેન્ગ સંડોવાયેલી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન તપાસકર્તા પક્ષે તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે પોલીસ પાસે કોઇ પુરાવા નથી જે પુરવાર કરી શકે કે બંને આરોપીએ ગુનો આચર્યો છે.

દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે શૂટરોએ કરેલા ગોળીબારમાં અન્ય એક વ્યક્તિ પણ ઘવાઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

બાબા સિદ્દિકીની હત્યા પૂર્વ-નિયોજિત?

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથમાં જોડાયેલા બાબા સિદ્દિકીની હત્યા પૂર્વ-નિયોજિત હોવાની પોલીસને શંકા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાને લઇ ધમકી, વ્યવસાયિક દુશ્મનાવટ સહિત વિવિધ પાસાંની તપાસ કરી રહી છે. બાબા સિદ્દિકીની હત્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ તથા ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી મેળવવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસ મુંબઈ આવશે.

બાબા સિદ્દિકીની હત્યાના કેસની તપાસ કરવા માટે દિલ્હી પોલીસની એક સ્પેશિયલ ટીમ મુંબઈ આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ સિદ્દિકીની હત્યાની તપાસમાં મદદ કરવા માટે મુંબઈમાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દિકીની હત્યા પાછળ ગેન્ગસ્ટરનો હેતુ મુંબઈમાં પોતાનો પ્રભાવ નિર્માણ કરવાનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button