Police File MCOC in Baba Siddiqui Murder Case
આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબા સિદ્દીકી હત્યાકેસ:પોલીસે આરોપીઓ સામે એમસીઓસીએ લગાવ્યો…

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા તેમ જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની ગંભીરતાને જોતાં પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ)ની જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. આથી આરોપીઓ સામે હવે કડક હાથે કામ લેવાશે.

આ પણ વાંચો : અબ તક 26: બાબા સિદ્દીકી હત્યાકેસમાં વધુ એક આરોપી પકડાયો

બાબા સિદ્દીકી હત્યાકેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 26 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમનો સમાવેશ છે, જ્યારે શુભમ રામેશ્ર્વર લોણકર, ઝીશાન મોહંમદ અખ્તર અને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇનો ભાઇ અનમોલ બિશ્ર્નોઇ ફરાર છે.

બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારમાં ભૂમિકા બદલ અનમોલની યુએસમાં ધરપકડ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી પોતાના અંગરક્ષકો સાથે 12 ઑક્ટોબરે રાતના બાંદ્રામાં મીટિંગમાં હાજરી આપીને પોતાના નિવાસે પાછા જઇ રહ્યા હતા ત્યારે નિર્મલનગરમાં પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીને છાતીમાં ગોળી વાગી હતી અને તેમનું બાદમાં મૃત્યુ થયું હતું. પોલીસે એ જ રાતે બે શૂટર ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ દલજીતસિંહની ધરપકડ કરી હતી.

આ કેસ બાદમાં ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને આ કેસમાં 26 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જોકે હવે આરોપીઓને આ કેસમાં જામીન ન મળે અને તેમને સખત સજા થાય એ માટે પોલીસે એમસીઓસીએ લાગુ કર્યો છે.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યાકેસ: મુખ્ય શૂટર શિવકુમારની પોલીસ કસ્ટડી લંબાવાઇ

એમસીઓસીએ હેઠળ પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાત કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય છે. એમસીઓસીએ હેઠળ જામીન મેળવવા પણ મુશ્કેલ છે.

Back to top button