બાબા સિદ્દીકી હત્યાકેસ : પનવેલ, કર્જતથી વધુ પાંચ આરોપીની ધરપકડ…
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની બાંદ્રા વિસ્તારમાં કરાયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીને આધારે રાયગડ જિલ્લાના પનવેલ અને કર્જતમાં શુક્રવારે રેઇડ પાડી હતી, જેમાં પાંચ આરોપીની ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુ પાંચ જણની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે નવ પર પહોંચી છે.
બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડવા અને તેને અંજામ આપવામાં પાંચેય આરોપી સંડોવાયેલા હતા. તેઓ લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના સંપર્કમાં હતા. લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના શૂટરોએ બાંદ્રામાં બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે બાબા સિદ્દીકી પોતાના બે અંગરક્ષક સાથે મીટિંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તેઓ ત્યાંથી ઘરે પાછી ફરી રહ્યા હતા ત્યારે નિર્મલનગર ખાતે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર શૂટરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ત્રણ ગોળી સિદ્દીકીની છાતીમાં વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ગોળીબાર બાદ એક શૂટર ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, જ્યારે બે જણને પોલીસે પકડી પાડ્યા હતા.