આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબા સિદ્દીકી હત્યા કેસ: નવ આરોપીની પોલીસ કસ્ટડી એક દિવસ લંબાવાઇ

મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા નવ આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 26 ઑક્ટોબર સુધી લંબાવી આપી હતી. આરોપીઓની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી શુક્રવારે તેમને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.આર. પાટીલ સમક્ષ હાજર કરાયા હતા.

પોલીસે આરોપીઓની વધુ ત્રણ દિવસની કસ્ટડીની માગણી કરી હતી, પણ કોર્ટે તેમની કસ્ટડી શનિવાર સુધી લંબાવી આપી હતી.

નવ આરોપીઓમાં ગુરમેલ બલજીસિંહ, ધર્મરાજ કશ્યપ, હરિશકુમાર નિસાદ, પ્રવીણ લોણકર, નીતિન ગૌતમ સપ્રે, સંભાજી કિસન પારધી, પ્રદીપ દત્તુ થોંબ્રે, ચેતન દિલીપ પારધી અને રામ ફૂલચંદ કનોજિયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Maharashtra Election 2024: બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, NCPએ આપી આ બેઠક પરથી ટિકિટ

નોંધનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતે પોતાના બે અંગરક્ષક સાથે બાંદ્રામાં મીટિંગમાં હાજર રહીને નિવાસે પાછા ફરી રહ્યા હતા ત્યારે પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ પર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસે બે શૂટર ગુરમેલ સિંહ અને કશ્યપને પકડી પાડ્યા હતા, જ્યારે શિવકુમાર ગૌતમ ફરાર થઇ ગયો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 14 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે શિવકુમાર, ઝીશાન અખ્તર તથા પુણેનો શુભમ લોણકર ફરાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button