બાબા સિદ્દીકી હત્યાકેસનો માસ્ટરમાઇન્ડ જીશાન અખ્તર કેનેડામાં પકડાયો
મુંબઈ પોલીસે તેને ભારત પાછો લાવવાની પ્રક્રિયાઓ શરૂ કરી

મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા બાબા સિદ્દીકી હત્યાકેસના માસ્ટરમાઇન્ડ જીશાન અખ્તર ઉર્ફે જસ્સી ઉર્ફે યાસીન અખ્તરને કેનેડા પોલીસે અટકાયતમાં લીધો છે. મુંબઈ પોલીસે આ અહેવાલને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે જીશાન અખ્તરને પ્રત્યર્પણ કરી ભારત લાવવાની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. પંજાબના જલંધરનો વતની જીશાન ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇની ટોળકી સાથે જોડાયેલો છે. તે હત્યાના કાવતરામાં સામેલ હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્દીકીની હત્યા બાદ જીશાન ફરાર થઇ ગયો હતો અને પાકિસ્તાનના ગેન્ગસ્ટર શહજાદ ભટ્ટીની મદદથી કેનેડા પહોંચી ગયો હતો. કેનેડા પોલીસે જીશાનને કયા ગુનામાં પકડયો તે જાણી શકાયું નથી.
આપણ વાંચો: બાબા સિદ્દીકી હત્યાકેસ: ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ, બે વોન્ટેડ આરોપી સામે વોરન્ટ જારી…
જીશાન વિરુદ્ધ પંજાબમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને લૂંટ સહિત અને ગુના નોંધાયેલા છે. તે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ અનમોલના સીધા સંર્પકમાં હતો. 2022માં જલંધર પોલીસે હત્યાના કેસમાં જીશાનની ધરપકડ કરી હતી અને પટિયાલા જેલમાં તે લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 12 ઑક્ટોબર, 2024ના રોજ બાબા સિદ્દીકીની બાંદ્રા વિસ્તારમાં તેના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીની હત્યા બાદ જીશાન ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. સિદ્દીકી પર હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગે સ્વીકારી હતી.
સિદ્દીકી હત્યાકેસમાં પોલીસે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિત 26 આરોપીઓની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને શિવકુમારને પકડી પાડ્યો હતો. બાદમાં તમામ આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવાયો હતો.