આમચી મુંબઈ

બાબા સિદ્દીકી હત્યાકેસ: ગુજરાતના રહેવાસીની અકોલાથી ધરપકડ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના આણંદના રહેવાસીને અકોલાથી પકડી પાડ્યો હતો. આરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટ મારફત અમુક આરોપીઓને આર્થિક સહાય કરી હતી, એવું તપાસમાં બહાર આવ્યું હતું.

બાબા સિદ્દીકી હત્યાકેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અકોલાના બાલાપુરથી પકડી પાડેલા આરોપીની ઓળખ સલમાનભાઇ ઇકબાલભાઇ વોહરા તરીકે થઇ હતી, જે ગુજરાતના આણંદના પેટલાદ સ્થિત સેવાક મસ્જિદ પાછળ અર્બન પાર્કનો રહેવાસી છે. સલમાનની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે 25 થઇ છે.

સલમાને મે, 2024માં કર્ણાટક બેન્કની આણંદ શાખામાં એકાઉન્ટ ખોલાવ્યું હતું, જેના થકી તેણે આરોપી ગુરમેલ સિંહના ભાઇ નરેશકુમાર સિંહ, રૂપેશ મોહોળ અને હરિશકુમારને આર્થિક સહાય કરી હતી. આ ગુનામાં સામેલ અન્ય લોકોને પણ તેણે મદદ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે હાલમાં પંજાબના રહેવાસી આકાશદીપ ગિલની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યાકેસ: વધુ એક આરોપીની પંજાબથી ધરપકડ

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતે મીટિંગમાં હાજરી આપીને પોતાના નિવાસે પાછા ફરી રહ્યા હતા ત્યારે પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગવાથી તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે એ જ રાતે બે શૂટર ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને પકડી પાડ્યા હતા. બાદમાં અન્ય આરોપીઓની ધરપકડ કરાઇ હતી. પોલીસે તાજેતરમાં લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગ સાથે સંકળાયેલા મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાની ધરપકડ કરી હતી, જે નેપાળ ભાગી છૂટવાની તૈયારીમાં હતો. આ કેસમાં ફરાર આરોપીઓ ઝીશાન અખ્તર અને શુભમ લોણકરની પોલીસ શોધ ચલાવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button