બાબા સિદ્દીકી હત્યા કેસ: શસ્ત્રોની હેરફેર કરનારા બે પુણેમાં પકડાયા
![Baba Siddiqui murder case: PoliceBaba Siddiqui murder case: Two arms smugglers arrested in Pune of nine accused extended by one day](/wp-content/uploads/2024/10/Baba-Siddique.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે શસ્ત્રોની હેરફેર સાથે કથિત રીતે સંડોવાયેલા બે જણની પુણેથી ધરપકડ કરી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ આદિત્ય રાજુ ગુલનકર (22) અને રફીક નિયાઝ શેખ (22) તરીકે થઈ હતી. પુણેના કર્વે નગરમાં રહેતા બન્ને આરોપીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા 18 થઈ હતી.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં ગુલનકર અને શેખની સંડોવણી સામે આવી હતી. ગુલનકર અને શેખ આરોપી પ્રવીણ લોણકર અને રૂપેશ મોહોળના સંપર્કમાં હતા. પોલીસે લોણકર અને મોહોળની અગાઉ ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપીઓમાંનો એક પ્રવીણનો ભાઈ શુભમ લોણકર હજુ ફરાર છે.
આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યાકેસ: કાવતરામાં સામેલ વધુ એક આરોપી પુણેથી પકડાયો
બાબા સિદ્દીકીની હત્યા માટે 9 એમએમની પિસ્તોલ અને કારતૂસો પ્રવીણ લોણકર અને રૂપેશ મોહોળે ગુલનકર અને શેખને આપી હતી. આ પિસ્તોલ બાદમાં શૂટરો સુધી પહોંચાડવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન 9 એમએમની પિસ્તોલ ક્રાઈમ બ્રાન્ચે હસ્તગત કરી હતી. જોકે કારતૂસો સહિતનાં શસ્ત્રોની શોધ ચલાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સંડોવાયેલા 16મા આરોપી ગૌરવ વિલાસ અપુને (23)ની ક્રાઈમ બ્રાન્ચે બુધવારે પુણેથી જ ધરપકડ કરી હતી.
બાન્દ્રા પૂર્વમાં પક્ષના કાર્યાલયમાંથી નિવાસસ્થાને જવા નીકળેલા બાબા સિદ્દીકી પર 12 ઑક્ટોબરની રાતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગવાથી સિદ્દીકીનું મૃત્યુ થયું હતું. ગોળીબારની ગણતરીની મિનિટમાં જ પોલીસે બે આરોપીને પકડી પાડ્યા હતા, જેને પગલે પોલીસને હુમલાની આગળની કડીઓ હાથ લાગી હતી.