આગામી ચોવીસ કલાક દરિયામાં જવાનું ટાળજો, બીએમસીની અપીલ
હાલમાં વેકેશનનો સમયગાળો હોવાથી સાંજના સમયે મુંબઇના જૂહુ, ગીરગામ ચોપાટી જેવા દરિયા કિનારાના સ્થળોએ લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બીએમસીએ હાલમાં અપીલ કરી છે.
ભારત હવામાન વિભાગ (IMD) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ (INCOIS) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજથી લઇને રવિવાર 5 મે 2024ના રોજ સવારે 11.30 વાગ્યા સુધીના સમયગાળા માટે ભરતી એને ઊંચા મોજાંની શક્યતાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારો આ મોજાથી પ્રભાવિત થવાની આગાહી પણ કરવામાં આવી છે. ઉચ્ચ ભરતીના સમયગાળા દરમિયાન દરિયાઈ મોજાની ઊંચાઈ 0.5 મીટરથી 1.5 મીટરની સુધી રહેવાની અપેક્ષા છે. તેથી આ સમયગાળામાં લોકોએ દરિયામાં જવાનું ટાળવું જોઈએ. માછીમારોએ પણ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન નાગરિકોને તમામ સિસ્ટમને સહકાર આપવાની અપીલ કરી રહ્યું છે.
ઊંચા મોજાઓની આ ચેતવણીને ધ્યાનમાં રાખીને, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પ્રશાસક શ્રી. ભૂષણ ગગરાણી અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) ડૉ. સુધાકર શિંદેએ મહાનગરપાલિકાના તમામ આસિસ્ટન્ટ કમિશનરોને પોલીસ સાથે સંકલન કરવાની અપીલ કરી છે. તેમજ મહાનગરપાલિકાના સિકયુરીટી ગાર્ડ અને લાઈફગાર્ડની મદદથી નાગરિકોને દરિયામાં જતા અટકાવવા સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને ઉનાળાની રજાઓના અવસરે દરિયાકિનારા પર પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ ઉંચા મોજાના કારણે યોગ્ય સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.
ઉપરાંત, દરિયાકાંઠાના માછીમારોને આ સમયગાળા દરમિયાન તેમની બોટોને કિનારાથી સુરક્ષિત અંતરે રાખવા વિનંતી કરવામાં આવી છે. જેથી ઉછળતા મોજાંને કારણે બોટો એકબીજા સાથે અથડાઈ ન જાય તે માટે દરિયામાં માછીમારી કરતી વખતે તકેદારી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ આ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. બીએમસી દ્વારા દરિયા કિનારે તૈનાત મહાનગરપાલિકાના સુરક્ષા રક્ષકો, જીવરક્ષકો, અધિકારીઓ, કર્મચારીઓ અને તમામ તંત્રોને સહકાર આપવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.