ઑક્ટોબર હિટની આકરી અસર સવારે ૧૧થી બપોરે ૪ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળો
આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો
(અમય ખરાડે)
મુંબઈ: રાજ્યભરમાંથી ચોમાસાની અઠવાડિયા પહેલા જ વિદાય થઇ ગઇ છે અને ઓક્ટોબર હીટની એન્ટ્રી થઇ છે. મુંબઈમાં બપોરનો સમય ભઠ્ઠી જેવો લાગતો હોઇ બોરીવલીથી લઇને વરલી, મુલુંડ, થાણે સુધી વિદર્ભ જેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. સોમવારે વિદર્ભના અકોલામાં સૌથી વધુ ૩૭ ડિગ્રી, જ્યારે સાંતાક્રુઝમાં સૌથી વધુ ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, એવું હવામાન વિભાગનું કહેવું છે. સવારે ૧૧થી ચાર વાગ્યા સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળો નહીં, નાના બાળકોને સાથે બહાર લઇ જવા નહીં, સ્કૂલે જતા બાળકોને ટોપી પહેરાવો, તેમની સાથે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી રાખો
એવી ડોક્ટરો તરફથી સલાહ આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈગરાઓ બફારો અનુભવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી ઓક્ટોબર હીટ વધુ આકરો બનવાની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું, છતાં હવામાં ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૦ ટકા અને ૮૩ ટકા રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાઇ રહ્યો છે.
તાપમાન વધવાનું કારણ
આગામી ૧૫મી ઓક્ટોબરથી ચોમાસુ રાજ્યમાંથી વિદાય લે એવી આશા હતી, પરંતુ અઠવાડિયા પહેલા જ વરસાદે વિદાય લીધી. તેથી તાપમાનમાં વધારો થયો હોઇ આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ અંશનો વધારો થશે. હાલની ગરમીમાં ડોક્ટરો પાસે બાળકોના નાકમાંથી લોહી ટપકતું હોવાની ફરિયાદો આવી હતી. રોજના પાંચથી છ બાળકો હોસ્પિટલમાં આ માટે આવતા હોવાનું ડોક્ટરોનું કહેવું છે.