ચાર વર્ષની ભાણેજ ‘ગુમ’ થયાના એક વર્ષ બાદ તેની હત્યા કરવા બદલ માસી-માસાની ધરપકડ...

ચાર વર્ષની ભાણેજ ‘ગુમ’ થયાના એક વર્ષ બાદ તેની હત્યા કરવા બદલ માસી-માસાની ધરપકડ…

થાણે: એક વર્ષથી ‘ગુમ’ ચાર વર્ષની ભાણેજની હત્યા કરવા અને તેનો મૃતદેહ ચાદરમાં વીંટાળીને રાયગડ જિલ્લાના નિર્જન સ્થળે ફેંકી દેવા બદલ માસી અને માસાની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

લગભગ એક વર્ષથી ગુમ બાળકીના કેસની તપાસ કરી રહેલી થાણે પોલીસે આખરે બાળકીની માસી અને માસાની સોમવારે ધરપકડ કરી હતી અને બાળકીનો મૃતદેહ જ્યાં ફેંકવામાં આવ્યો હતો ત્યાંથી પોલીસને માત્ર ખોપડી જ મળી હતી, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3, કલ્યાણ) અતુલ ઝેંડેએ જણાવ્યું હતું.

બાળકીના પિતા રાહુલ ઘાડગે ગયા વર્ષે જેલમાં હતો. બાળકીની સંભાળ લેવા માટે કોઇ ન હોવાથી રાયગડના બીવપુરી રોડ પર ચિંચવલી ખાતે રહેનારી માસી અપર્ણા અનિલ મકવાણા ઉર્ફે અપર્ણા પ્રથમેશ કાંબરી (22) અને તેનો પતિ પ્રથમેશ પ્રવીણ કાંબરી (23) બાળકીને પોતાની સાથે લઇ ગયાં હતાં.

દંપતીએ દાવો કર્યો હતો કે પ્રારંભમાં તેઓ બાળકીની ખૂબ સંભાળ લેતા હતા. જોકે તપાસમાં એવું જણાયું હતું કે તેઓ બાળકી પર અત્યાચાર ગુજારતા હતાં. બાળકી માત્ર ચાર વર્ષની હોવાથી અને યોગ્ય વર્તન વિશે અજાણ હોવાથી તે નિર્દોષ ભૂલો કરતી હતી, જેને કારણે પ્રથમેશ કાંબરી ક્રૂર રીતે તેની મારપીટ કરતો હતો.

કલ્યાણની રહેવાસી અને બાળકીની સંબંધી જ્યોતિ સાતપુતેએ ગયા વર્ષે કોલસેવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે અપર્ણા અને પ્રથમેશે બાળકીનું અપહરણ કર્યું છે. પોલીસે 6 ઑક્ટોબર, 2024ના રોજ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો અને તમામ દિશામાં તપાસ કરી હતી.

સોમવારે અપર્ણા અને તેનો પતિ ચિંચવલીમાં પોતાના ઘરે આવ્યાં હોવાની જાણ થતાં પોલીસે છટકું ગોઠવીને બંનેને ઝડપી પાડ્યાં હતાં. પૂછપરછમાં દંપતીએ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી. તેમણે બાળકીને માર મારતાં તેનું મૃત્યુ થયું હતું.

બાદમાં મૃતદેહને ગૂણીમાં ભરીને ચાદર વીંટાળી હતી અને રાતના સમયે ચિંચવાડી શિવારા ખાતે નિર્જન સ્થળે ફેંકી દીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી માત્ર ખોપડી મળી આવી હતી, જેને ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલી અપાઇ હતી. દંપતીને સ્થાનિક અદાલતે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. (પીટીઆઇ)

આ પણ વાંચો…રાયગડની પોલિક્લિનિકમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી યુવાને પણ જીવન ટૂંકાવ્યું

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button