512 કરોડનું બેંક છેતરપિંડી કૌભાંડ: કોર્ટે સ્પોટર્સ એકેડેમી અને ભૂતપૂર્વ વિધાનસભ્યની જમીનની હરાજીનો આપ્યો આદેશ...

512 કરોડનું બેંક છેતરપિંડી કૌભાંડ: કોર્ટે સ્પોટર્સ એકેડેમી અને ભૂતપૂર્વ વિધાનસભ્યની જમીનની હરાજીનો આપ્યો આદેશ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના પનવેલ સ્થિત એક સહકારી બેંકના લેણદારોને ચુકવણીની સુવિધા આપવા માટે એક ખાસ મની લોન્ડરિંગ વિરોધી અદાલતે ભૂતપૂર્વ વિધાનસભ્ય વિવેકાનંદ શંકર પાટિલની મિલકતોની હરાજીનો આદેશ આપ્યો છે. કર્નાળા નાગરી સહકારી (કો-ઓપરેટિવ) બેંકમાં 512 કરોડ રૂપિયાથી વધુના કથિત છેતરપિંડી કૌભાંડમાં તપાસ એજન્સીઓ દ્વારા બહુ-એકરમાં ફેલાયેલી સ્પોર્ટ્સ એકેડેમી અને પનવેલમાં એક જમીનનો સમાવેશ કરતી મિલકતો જપ્ત કરવામાં આવી છે.

આ કેસના મુખ્ય આરોપી પાટીલે ત્રણ ટર્મ માટે શેકાપના વિધાનસભ્ય તરીકે પનવેલનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એક વખત ઉરણથી વિધાનસભ્ય રહી ચૂક્યા હતા. નવી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા પાટિલની કેટલીક પૂર્વજોની સંપત્તિ સહિત કુલ 87 મિલકતો એમપીઆઈડી એક્ટ અથવા મહારાષ્ટ્ર ડિપોઝિટર્સના હિત સંરક્ષણ (નાણાકીય સ્થાપનામાં) અધિનિયમ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની પણ તપાસ કરી રહ્યું છે, તેમાંની કેટલીક મિલકતો પર બેવડી જપ્તી છે.

ખાસ પીએમએલએ ન્યાયાધીશ સત્યનારાયણ નાવંદરે મંગળવારે બેંકના લિક્વિડેટરની અરજીને મંજૂરી આપતા આ જપ્ત કરેલી મિલકતો મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.લિક્વિડેટરે કર્નાળા સ્પોર્ટ્સ એકેડેમી અને પનવેલ તાલુકામાં સ્થિત જમીનના પ્લોટને મુક્ત કરવાની માગણી કરી હતી, જેથી બેંકના લેણદારો, જેમાં થાપણદારોનો પણ સમાવેશ થાય છે, પ્રત્યેની જવાબદારીઓ ચૂકવી શકાય. આરોપી સહિત તમામ પક્ષોએ આ મિલકતોની હરાજી આગળ વધારવા માટે પોતાનો કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.

બધા પક્ષો વચ્ચે સર્વસંમતિને જોતાં, કોર્ટે આ બંને મિલકતોની જપ્તીને સંપૂર્ણ બનાવવાનું યોગ્ય માન્યું. ત્યારબાદ તેણે બેંકના થાપણદારોના હિતમાં હરાજી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. ઈડીનો કેસ ફેબ્રુઆરી 2020માં આર્થિક ગુના શાખા દ્વારા પાટીલ અને અન્ય 75 લોકો સામે નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે, જેમાં પનવેલ-મુખ્ય મથકવાળી કર્નાળા સહકારી બેંકમાં રૂ. 512.54 કરોડની ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button