કાંદિવલીના વેપારી પાસેથી ખંડણી વસૂલવાનો પ્રયાસ: ભૂતપૂર્વ નગરસેવિકાના પુત્રો સામે ગુનો

મુંબઈ: ફ્લૅટનો તાબો સોંપવા કાંદિવલીના વેપારી પાસેથી 75 લાખ રૂપિયાની ખંડણી માગી કથિત ધમકી આપવા પ્રકરણે વસઈ-વિરારની નગરસેવિકાના બે પુત્ર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહેતા ફરિયાદી વિષ્ણુ બજાજે (55) વસઈ પૂર્વના આચોલે ખાતે પવન પેરેડાઈઝ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો ફ્લૅટ આરોપી અમિત શ્યામ પેંઢારીને 2021માં ભાડે આપ્યો હતો.
બજાજે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ નગરસેવિકા જયા પેંઢારીના પુત્ર અમિતને 2021માં ભાડે આપ્યો હતો. જોકે અમિત ભાડું ચૂકવતો નહોતો અને ગેરકાયદે ફ્લૅટમાં વસવાટ કરતો હતો. ફ્લૅટનો તાબો સોંપવાની માગણી વારંવાર કરતાં અમિત, તેના ભાઈ મિથુન અને બે સાથીએ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આ મામલે પોલીસને જાણ કરી તો જાનથી મારવાની ધમકી વેપારીને આપવામાં આવી હતી. વળી, ફ્લૅટનો તાબો જોઈતો હોય તો 75 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.
વેપારીએ આ પ્રકરણે વસઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શુક્રવારે મોડી સાંજ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરાઈ નહોતી. ફરિયાદની ચકાસણી કરવામાં આવી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે, એવું પોલીસ અધિકારીનું કહેવું છે.