આમચી મુંબઈ

પૂર્વ પત્નીની હત્યાનો પ્રયાસ: ગુજરાતથી આરોપી પકડાયો

મુંબઇ: દોડતી રિક્ષામાં ભૂતપૂર્વ પત્ની પર શસ્ત્રના ઘા ઝીંકીને તેની હત્યાનો પ્રયાસ કર્યા બાદ ફરાર થયેલા આરોપીને ગુરુવારે ગુજરાતથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર 8 જૂનના રોજ આ ઘટના બની હતી. ફરિયાદી તાહિરા ખાન (41) કામેથી છૂટી તેના ઘરે જઇ રહી હતી ત્યારે તેનો ભૂતપૂર્વ પતિ હનીફ સરવર ખાન પાછળથી રિક્ષામાં આવ્યો હતો.

તાહિરા સાથે વાત કરવા માટે ખાને તેને રિક્ષામાં ખેંચી હતી, જેને પગલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ખાને તેના પર શસ્ત્રના ઘા ઝીંકી દીધા હતા. તાહિરા બચવા માટે રિક્ષામાંથી બહાર કૂદી પડી હતી.

આ દંપતીને બે પુત્રી છે અને લગ્ન બાદ નજીવી બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દરમિયાન તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું અને 20 જૂને તેમના છૂટાછેડા થયા હતા, એમ વાકોલા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

ખાને કરેલા હુમલામાં ઘવાયેલી તાહિરા ઘરથી થોડે દૂર ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. તેને તેની માતાના ઘરે લઇ જવાઇ હતી અને બાદમાં પરિવારજનો તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કરીને ખાનની શોધ આદરી હતી. ખાન સુરતના વેસુમાં હોવાની માહિતી મળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મુંબઈ લવાયા બાદ ખાનની ધરપકડ કરાઇ હતી, એમ પોલીસે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button