અયોધ્યા ઉજવણીમાં વિઘ્ન ઊભો કરવાનો પ્રયાસ
મહારાષ્ટ્રમાંથી ૧૧ જણની ફરી પૂછપરછ
છત્રપતિ સંભાજીનગર : દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એવામાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગરબડ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું હોવાની વાતનો ખુલાસો થયો છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સોશિયલ મીડિયા દ્વારા અમુક સમુદાયના લોકોનું બ્રેનવોશ કરી તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રામ મંદિરના ઉદ્ઘાટનમાં અડચણ ઊભી કરવા લોકોને ઉશ્કેરવા માટે ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા એફઆઇઆર નોંધવામાં આવી હતી, જેમાં ૧૧ લોકોને સમન્સ મોકલી તેમને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા યુપીની એટીએસ ટીમ દ્વારા મહારાષ્ટ્રના એટીએસ ટીમની મદદથી ૧૧ શંકાસ્પદ
વ્યક્તિની ધરપકડ કરી હતી. આ આરોપીઓને કોઈ પણ પુરાવા ન મળતા તેમને છોડી દેવામાં આવ્યા હતા, પણ હવે ફરીથી તેઓ એટીએસના રડાર પર આવી ગયા છે.
આ મામલે સૂત્રોએ માહિતી આપી હતી કે ૩૦ ડિસેમ્બરે યુપીની એટીએસ ટીમ છત્રપતિ સંભાજીનગર આવી હતી. આ દરમિયાન ૧૧ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, પણ કોઈ પણ પુરાવા ન મળતા તેમને છોડવામાં આવ્યા હતા. પણ હવે ફરી આ ૧૧ લોકોને સમન્સ મોકલવામાં આવ્યા છે, અને દરેક વ્યક્તિથી ફરી પુરાવાને આધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ કર્યા બાદ તેમની ધરપકડ પણ કરવામાં આવશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
ગયા અનેક દિવસોથી સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહી છે. આ તસવીરોને એક વિશેષ અકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવી રહી છે. આ પોસ્ટ દ્વારા રામ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન હિંસા ભડકાવવાના હેતુથી કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા લોકોના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ દરેક ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસના રિપોર્ટ બાદ આરોપીઓની અટક કરી તેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મિર્ઝા સૈફ, અબ્દુલ વાહિદ, યાસિર, ઝિયાઉદ્દીન સિદ્દીકી, થોર ભાન, એસકે ખાલિદ, તાહિર તરીકે કરવામાં આવી હતી. આ દરેક આરોપીઓને ૧૫થી ૨૦ જાન્યુઆરી સુધી લખનઊના યુપી એટીએસ હેડક્વોટરમાં પૂછપરછ માટે રાખવામા આવશે.