આમચી મુંબઈ

ભાયંદરમાં પત્નીને ટ્રેન સામે ધકેલી મારી નાખવાનો પ્રયાસ: પતિની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દારૂ પીવા રૂપિયા ન આપનારી પત્નીને ચાલતી ટ્રેન સામે ધકેલી મારી નાખવાનો કથિત પ્રયાસ કરવા બદલ પોલીસે પતિની ધરપકડ કરી હતી.

વસઈ રેલવે પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ લાલચંદ કેવટ (65) તરીકે થઈ હતી. ભાયંદરમાં રહેતા આરોપીને કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ભાયંદરમાં સ્ટેશન પરિસરમાં મજૂરી કરનારા કેવટને દારૂ પીવાનું વ્યસન હતું. દારૂ પીવા માટે તે વારંવાર પત્ની અમરાવતી (60) પાસેથી રૂપિયાની માગણી કરતો હતો. પતિના કથિત ત્રાસથી કંટાળી અમરાવતી અલગ રહેવા જતી રહી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બુધવારે સવારે 9.25 વાગ્યાની આસપાસ ભાયંદર સ્ટેશને પ્લૅટફોર્મ નંબર પાંચ પર બની હતી. દાદર સ્ટેશનેથી માછલી ખરીદીને અમરાવતી ભાયંદર પાછી ફરી હતી. તે જ સમયે સ્ટેશન પર આવી પહોંચેલા લાલચંદે બોલાચાલી કર્યા પછી ચર્ચગેટ જતી ટ્રેન સામે પત્નીને ધક્કો માર્યો હતો.

ટ્રેનની બૉગી સાથે ટકરાઈને અમરાવતી પાછી પ્લૅટફોર્મ પર પડી હતી, જેને કારણે તેનો જીવ બચી ગયો હતો. જોકે કપાળ અને હોઠ પર ઇજાને કારણે તેને સારવાર માટે મીરા રોડની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button