કલ્યાણ પાસેની ઈરાની બસ્તીમાં ફરી પોલીસની ટીમ પર હુમલો: દસ જખમી
૬૦ પોલીસની આઠ ટીમ ટૂરિસ્ટ વાહનમાં ગઈ: એક પકડાયો, બે આરોપી ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેન સ્નેચિંગના કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા કલ્યાણ પાસેની ઈરાની બસ્તીમાં ગયેલી પોલીસની ટીમ પર સ્થાનિક રહેવાસીઓએ પથ્થરમારો કરતાં ૧૦ પોલીસ અધિકારી-કર્મચારી ઘવાયા હતા. દસેક દિવસથી નજર રાખ્યા પછી ૬૦ પોલીસની આઠ ટીમ ટુરિસ્ટ વાહનમાં આરોપીને પકડવા પહોંચી હતી, પરંતુ એક જ આરોપી હાથ લાગ્યો હતો,
જ્યારે બે ફરાર થઈ ગયા હતા.
અંધેરી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ઈકબાલ ઈરાની તરીકે થઈ હતી. ઈકબાલ વિરુદ્ધ ચેન સ્નેચિંગ જેવા ૩૫ ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા મુજબ પખવાડિયા પહેલાં અંધેરી પૂર્વમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનામાં આરોપી ઈકબાલની સંડોવણી સામે આવી હતી. આ પ્રકરણે બાઈક પર ફરાર થઈ ગયેલા આરોપીઓ વિરુદ્ધ અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીની ઓળખ થયા પછી છેલ્લા ૧૦ દિવસથી અંધેરી પોલીસની એક ટીમ કલ્યાણ પાસેના આંબિવલી સ્થિત ઈરાની બસ્તી પર નજર રાખી રહી હતી.
ત્રણ આરોપીની રોજિંદી ગતિવિધિનો અભ્યાસ કર્યા પછી બુધવારની રાતે પોલીસે કાર્યવાહીની યોજના બનાવી હતી. નક્કી થયા મુજબ અંધેરી પોલીસ સ્ટેશન અને કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનના ૬૦ પોલીસ અધિકારી-કર્મચારીની આઠ અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ ટુરિસ્ટ વાહનમાં ઈરાની બસ્તીમાં પ્રવેશી હતી અને ત્રણેય આરોપીને તાબામાં લીધા હતા.
જોકે આ બાબતની જાણ થતાં ઈરાની બસ્તીના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. આરોપીઓને છોડાવવા માટે પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રહેવાસીઓએ અન્ય વસ્તુઓ વડે પણ પોલીસ પર હુમલો કર્યો હતો. આ ધમાચકડીમાં બે આરોપી ફરાર થવામાં સફળ થયા હતા.
હુમલામાં ૧૦ પોલીસ ઘવાયા હતા, જેમાંથી એક અધિકારીના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું કહેવાય છે. મોટા ભાગના પોલીસોને માથા પર ઇજા થઈ હતી. આ પ્રકરણે ખડકપાડા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિક રહેવાસીઓએ હુમલો કર્યો હોવાની ઘટનાઓ બની છે.