કાંદિવલીમાં બે કરોડ રૂપિયાના વિવાદમાં જ્વેલર્સ પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુકાન ખરીદીના વ્યવહારમાં બે કરોડ રૂપિયાને મુદ્દે થયેલા વિવાદમાં જ્વેલર્સ પર કથિત હુમલો થયો હોવાની ઘટના કાંદિવલીમાં બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગનોરેએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં જ્વેલર્સ વિકાસ બાફના (45)ને માથામાં ઇજા થઈ હતી. શતાબ્દી હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બાફનાને ખાનગી હૉસ્પિટરમાં દાખલ કરાયો હતો. સારવાર બાદ તેનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું કહેવાય છે.
પોલીસ ફરિયાદ અનુસાર બાફનાએ આરોપી પ્રવીણ મકવાણા (47) પાસેથી કાંદિવલી પશ્ચિમમાં મથુરાદાસ રોડ પર આવેલી દુકાન ખરીદી હતી. બાફનાએ ત્યાં પ્રીતમ જ્વેલર્સ નામે દુકાન શરૂ કરી હતી. દુકાન ખરીદીના વ્યવહારમાં બાફના અને મકવાણા વચ્ચે વિવાદ થયો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દુકાનના દસ્તાવેજો કોઈ ઊણપ હતી, જેને પગલે દસ્તાવેજો બાફનાને નામે ટ્રાન્સફર થયા નહોતા. પરિણામે બાફનાએ દુકાનની કિંમતમાંથી બે કરોડ રૂપિયા મકવાણાને ચૂકવ્યા નહોતા.
શનિવારની બપોરે મકવાણા પ્રીતમ જ્વેલર્સમાં આવ્યો હતો અને રૂપિયાને મામલે ઝઘડો કર્યો હતો. બાદમાં રોષમાં આવી તેણે પ્લમ્બિંગના લોખંડના પાનાથી હુમલો કર્યો હતો. હુમલામાં બાફનાના માથે ઇજા થઈ હતી. બનાવની જાણ થતાં કાંદિવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ બાદ મકવાણાને તાબામાં લેવાયો હતો.ઉ